ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જાણો… આજે ક્યાં કેટલો વરસાદ પડ્યો

havaman-vibhag-ni-agahi

ગુજરાત પર હાલ ત્રણ સિસ્ટમ સ્થિત છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે, ત્યારે આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

આગામી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

રાજ્યમાં આજે બપોરના ચાર વાગ્યા સુધી 205 તાલુકામાં અનેક સ્થળે ભારે વરસાદ ખાબક્યો હતો. આજે બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

વડોદરામાં આજે 10 કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે વડોદરા શહેર પાણી પાણી થઈ ગયુ હતું. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે જિલ્લાના સાવલી તાલુકામાં 11 મીમી વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મીમી વરસાદ પડ્યો હતો. વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું.