વડોદરામાં 10 કલાકમાં 8 ઇંચ વરસાદ, આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રજા આપવામાં આવી, જુઓ વીડિયો

vadodaraRain

મનપાનો પ્રિ-મોન્સૂન પ્લાન ધોવાયો, અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા
પાણી ભરાવવાથી અનેક રસ્તાઓ બંધ કરાયા, સિટી બસ સેવા પણ ખોરવાઈ

સુરત બાદ વડોદરાની સ્થિતિ પણ વણસી છે. હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જડોદરા શહેર તેમજ જિલ્લામાં આજે સવારે 8 વાગ્યાથી મેઘરાજાએ બઘડાટી બોલાવવાનું શરૂ કરી દીધુ છે. વડોદરામાં 8 કલાકમાં 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે. જેના કારણે શહેરના રોડ-રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો છે. ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદને મહાનગર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે.

https://x.com/AkshaySabhagani/status/1816091107534725300

વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના અનેક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. જેમાં રાવપુરા, કારેલીબાગ, મકરપુરા, મચ્છીપીઠ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જેતલપુર રોડ પર ગટરમાંથી ફુવારા ઉડતા જોવા મળ્યા હતા, ગટરમાંથી દુર્ગંધ મારતું પાણી નીકળતું હતું. જેને પગલે લોકોમાં આશ્ચર્ય સાથે પાલિકા સામે રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત નવાયાર્ડમાં ઘરોમાં દૂષિત પાણી ઘૂસ્યાં તો પરિસ્થિતિ વિકટ થતા ઇમર્જન્સી કંટ્રોલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. .

વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ અંગેનો આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણાધિકારી આર આર વ્યાસે આદેશ કર્યો છે કે, ગુરુવારે તમામ શાળાઓને બંધ રાખવામાં આવશે. આમ 25 જુલાઈએ તમામ સરકારી અને બીન સરકારી શાળાઓ બંધ રાખવામાં આવશે. વડોદરા શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગદ્વારા આગામી સમયમાં વડોદરા શહેર અને જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને પગલે જિલ્લામાં સાવચેતી અને તકેદારીના પગલા લેવા જિલ્લા કલેક્ટર બિજલ શાહે તમામ સબંધિત અધિકારીઓને મુખ્ય મથક ના છોડવાનો આદેશ આપ્યો છે.

કલેક્ટર દ્વારા શહેરની બહારના કર્મચારીઓને ઘરે પહોંચવા અપીલ કરવામાં આવી હતી. કલેકટરે ભારે વરસાદના કારણે રસ્તાઓ, માર્ગો પરના વૃક્ષો પડી ગયેલ હોય તો તાત્કાલિક રસ્તા પરથી દુર કરવાની કાર્યવાહી કરવા, જે રસ્તાઓ પર પાણી ભરાયુ હોય તો પાણીનો નિકાલ કરવા સહિત કોઈ પણ જાનહાનિ કે નુકસાની હોય તો તુરંત જ જિલ્લા ઇમેજન્સી સેન્ટરમાં જાણ કરવા જણાવ્યું છે.

ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સિટી બસ સેવા પણ ખોરવાઈ ગઈ છે. સિટી બસના ગોરવા, સમતા, અલકાપુરી, વાઘોડિયા રોડ, આજવા રોડ, મકરપુરા સહિતના અનેક વિસ્તારો પ્રભાવિત થતાં 25 જેટલા રૂટ બંધ કરવામાં આવ્યા છે. જો હજુ પણ વરસાદ યથાવત રહેશો તમામ રૂટ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત અકોટા ગામ અને ઓપી રોડ, સમા-સાવલી રોડ ખાતે પણ પાણી ભરાઈ જવાથી વાહનોની લાંબો કતાર જોવા મળી હતી.