બોરસદમાં મેઘરાજાએ બઘડાટી બલાવી, 4 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

borsad

આપાતકાલીન પરિસ્થિતિમાં જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ફોન નંબર 02692-243222 પર સંપર્ક કરવા આણંદ વહીવટીતંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી

ગુજરાતમાં મેઘરાજાએ ધમાસાણ મચાવ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આખરે મેઘરાજાની સવારી મધ્ય ગુજરાતમાં આવી પહોંચી છે. ત્યારે આજે મેઘરાજાએ આણંદના બોરસદમાં બઘડાટી બોલાવી છે. બોરસદમાં આજે 4 કલાકમાં 12 ઈંચથી પણ વધુ વરસાદ વરસ્યો હતો. જેના લીધી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી રહ્યો છે. આણંદના બોરસદમાં આભ ફાટ્યું છે. છેલ્લા 6 કલાકમાં 14 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બોરસદ જનતા બજાર, સ્ટેશન રોડ પર વરસાદી પાણી ભરાયા છે. શંકર પાર્ક ચોકડી, વહેરા, કાવીઠા સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહારાજ વિસ્તાર, અક્ષર નગર, પામોલ રોડ સહિતના વિસ્તારો જળમગ્ન થયા છે.આ સાથે જ નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર અને વડોદરામાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓ અને બે સંઘપ્રદેશમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા બોરસદ પ્રાંત અધિકારી, બોરસદ મામલતદાર, બોરસદ તાલુકા વિકાસ અધિકારી સહિતના તાલુકા મથકના અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા અને યોગ્ય તકેદારીના પગલાં ભરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કાર્યપાલક ઇજનેર સ્ટેટના જણાવ્યા મુજબ હાલમાં કોઈપણ રસ્તા બંધ નથી. ગ્રામ્ય વિસ્તારના તમામ રસ્તાઓ પણ ચાલુ છે. કોઈપણ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી એમ કાર્યપાલક જિલ્લા પંચાયત દ્વારા જણાવ્યું છે.

વરસાદની પરિસ્થિતિ દરમિયાન આણંદ વહીવટીતંત્ર સૌ નાગરિકોને સાવચેતી રાખવા તથા કોઈપણ પ્રકારની અઘટીત ઘટના ઘટે યા આપાતકાલીન પરિસ્થિતિ ઉદ્દભવે તો જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02692-243222 પર સંપર્ક કરવા વિનંતી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ એલર્ટ મુજબ આણંદ જિલ્લામાં આજરોજ તા.24/07/2024ના રોજ હળવું વાવાઝોડું/વીજળી સાથે આશરે 40 કિમી પ્રતિ કલાકના પવનની ઝડપ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.