સુરતની ખાડીમાં પૂર, ખાડીમાં ફસાયેલા 37 વિદ્યાર્થીઓને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બચાવ્યા

surat-heavyRain

સુરતમાં કીમ નદીની ભયજનક સપાટી 11 મીટર છે અને હાલ તેની સપાટી 9 મીટર સુધી પહોંચી ગયી છે
કચ્છના નખત્રાણામાં સવારથી અત્યાર સુધીમાં પાંચ જેટલો વરસાદ પડતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લામાં કીમ નદીની ભયજનક સપાટી 11 મીટર છે અને હાલમાં નદીની સપાટી 9 મીટર સુધી પહોંચી ગયી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે.

ખાડીપૂરે સુરતની સૂરત બગાડી નાખી છે. સુરતમાં ખાડી પૂરમાં 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયુ છે. જેમાં ચાર છાત્રાલયનો સ્ટાફ પણ ફસાયો હતો. ત્યારે સુરત ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યૂ કરી તમામને બચાવ્યા છે. તેમાં સરથાણા પોલીસ પણ મદદમાં આવી છે. આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં 41 લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. જેમાં ફાયરની ટીમે બોટ મારફતે તમામને રેસ્ક્યૂ કર્યા છે. તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા છે.

સુરતના ગ્રામ્ય વિસ્તાર પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે 50થી વધુ પરિવારો ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. તેમાં પલસાણામાં બે દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા 50થી ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા છે. બલેશ્વરથી હાઈવે અને બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થયા છે.

ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આજે સવારથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છના માંડવીમાં 5.6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના જોડિયામાં 5.4 ઈંચ, કચ્છના નખત્રાણામાં 5.1 ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં 4.8 ઈંચ વરસાદ, કચ્છના રાપરમાં 4.3 ઈંચ વરસાદ, અમદાવાદના ધોળકામાં 3.3 ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે

કચ્છના નખત્રાણામાં મેધરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં પાંચ જેટલો વરસાદ પડતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ હતી. બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણીનું વહેણ પસાર થાય છે જેના કારણે અહિયાં પાણી ભરાય છે. રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.