અમદાવાદમાં આવતીકાલે ઓટોરિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો દ્વારા બંધનું એલાન

ahmedabad-rikshaw

સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ ઉત્તર નહીં આપવામાં આવે તો આ આંદોલન લંબાઇ શકે છે

સામાન્ય રીતે રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેશન એરપોર્ટ અથવા શહેરના મુખ્ય જંકશન પરથી મુસાફરોને ઓટોરિક્ષા અથવા ટેક્સી મળી રહેતી હોય છે, પરંતુ આવતીકાલે રિક્ષા અથવા ટેક્સીમાં મુસાફરી કરતા લોકો માટે સામાન્ય દિવસ નહીં હોય કારણ કે રિક્ષા ચાલકો અને ટેક્સી દ્વારા આવતીકાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં લગભગ અઢી લાખ કરતા પણ વધુ ઓટોરિક્ષા તથા 80,000થી વધુ ટેક્સી શહેરના રસ્તા ઉપર ફરે છે અને મુસાફરોને એક સ્થળથી બીજા સ્થળ પહોંચાડે છે. ત્યારે આવતીકાલે સવારના 6 વાગ્યાથી આ તમામ વાહનોના પૈડા થંભી જશે. કારણ કે છેલ્લા દોઢ વર્ષથી સતત પ્રયાસો કર્યા હોવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું નથી. તેથી હવે ઓટોરિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો દ્વારા ગાંધીજી માર્ગે આંદોલન ઉચ્ચારવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરના તમામ રિક્ષાચાલક યુનિયન તથા ટેક્સી ચાલક યુનિયન સાથે મળીને “રોજી-રોટી બચાવ આંદોલન”માં સહભાગી થયા છે.

યુનિયન સાથે જોડાયેલા તમામ રિક્ષાચાલકો અને ટેક્સી ચાલકો સહિત સ્વતંત્ર રીતે રિક્ષા ચલાવતા લોકો પણ તેમાં જોડાશે. તદુપરાંત વહેલી સવારથી જ શહેરના વિવિધ 21 સ્થળ પર જે રિક્ષાચાલકો સવારી લેશે તેમને શાંતિપૂર્વક ગુલાબ આપીને આંદોલનમાં જોડાવા સમજાવટ કરવામાં આવશે.

અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર ઓટોરિક્ષા અને ટેક્સીચાલકોની માંગણી ન સંતોષાતા આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આવતીકાલ સાંજ સુધીમાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ ઉત્તર નહીં આપવામાં આવે તો આ આંદોલન લંબાઇ શકે છે તેમ ઓટોરિક્ષા અને ટેક્સી યુનિયનના પ્રમુખો દ્વારા જણાવાયું છે. ઓટોરિક્ષા ચાલક યુનિયન દ્વારા તેમ પણ જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ આકસ્મિક સંજોગમાં મેડિકલ ઈમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ અથવા 108નો સંપર્ક કરી શકો છો તથા અન્ય શહેરમાંથી આવતા મુસાફરોને આવતીકાલે ઓટોરિક્ષા અથવા ટેક્સી નહીં મળે તેથી આ મુસાફરો એ જાતે જ પોતાની વ્યવસ્થા કરવી પડશે.

ઉલ્લેખનીય છે કે, ગત 22 જુલાઈના રોજ ઓટોરિક્ષા ચાલક યુનિયન દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટરને મૌખિક અને લેખિત રીતે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેમની મુખ્ય બે માંગણી હતી. પહેલી એ કે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર બંધ કરવામાં આવે અને બીજી એ કે ઓનલાઇન એપ્લિકેશન ઓનલાઇન ઉબેર અને રેપીડોની હેરાનગતિ બંધ કરવામાં આવે.