માનવી મધુ કશ્યપ બની દેશની પહેલી ‘ટ્રાન્સવુમન PSI’, જાણો પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ-ઇન્સ્પેક્ટરનાં જીવનની સંઘર્ષમય કહાની

manviMadhuKashyap

સમાજ માટે મેં બહુ તાલીઓ પાડી, હવે આ સમાજ મારા માટે તાલીઓ પાડશે, જે સમાજે મને ગાળો આપી છે, હું એમની પાસે તાલીઓ વગડાવીને રહીશઃ માનવી મધુ કશ્યપ

બિહાર પોલીસ અન્ડર સર્વિસ કમિશન દ્વારા નિરીક્ષકની 1275 જગ્યાઓ માટે ખાલી જગ્યાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 822 પુરુષ અને 450 મહિલા અને 3 ટ્રાન્સજેન્ડર ઉમેદવારોની પણ પસંદગી કરવામાં આવી છે. જેમાંથી બે ટ્રાન્સમેન છે અને એક ટ્રાન્સ વુમન છે. બાંકા જિલ્લાની માનવી મધુ કશ્યપ દેશની પ્રથમ ટ્રાન્સવુમન સબ-ઈન્સ્પેક્ટર બની છે. આ સિદ્ધિથી તેણે તેના પંજવાડા ગામ સહિત સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

સફળતાના આ ખાસ અવસર પર તેમણે સુપ્રીમ કોર્ટ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના શિક્ષકોનો આભાર માન્યો હતો. તેણીએ કહ્યું કે, આ બધાના યોગદાનને કારણે જ હું અહીં સુધી પહોંચી શકી છું. મારો હેતુ BPSC અને UPSC પૂર્ણ કરવાનો છે. મધુએ તેના જેવા અન્ય ટ્રાન્સજેન્ડર્સને સફળતાનો મંત્ર આપ્યો. તેમણે કહ્યું કે તમારે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે સખત મહેનત કરવી જોઈએ. સફળતાનો કોઈ શોર્ટકટ નથી.

એક સમયે સમાજના ટોણા સાંભળનારી માનવી મધુ કશ્યપ હવે લોકો માટે એક ઉદાહરણ બની ગઈ છે. બિહારની મધુ કશ્યપે દેશની પહેલી ટ્રાન્સજેન્ડર સબ-ઇન્સ્પેક્ટર બનવાનું શ્રેય પોતાને નામે કર્યું છે. ગરીબ પરીવારમાં જન્મેલી મધુ કશ્યપ કેવી રીતે પૂરી દુનિયા સામે લડી PSI બની? કેવી રીતે છોકરામાંથી છોકરી બની? PSI માટે કેવી રીતે તૈયારી કરી અને સફળ થઈ? દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ-ઇન્સ્પેક્ટરની પ્રેરણાદાયી વાર્તા વાંચો…

28 વર્ષીય મધુ કશ્યપે વાતની શરૂઆત કરતા કહ્યું કે, હું બાંકા જિલ્લાના પંજવારા ગામના રહેવાસી નરેન્દ્ર પ્રસાદ સિંહ અને માલા દેવીની ચોથી સંતાન છું. બે ભાઈ અને બહેન છે, જેઓ પરિણીત છે. બાળપણ તો બહુ જ મુશ્કેલીમાં વીત્યું છે. પ્રાથમિક શિક્ષણ ગામની શાળા, એસએસ હાઈસ્કૂલ, પંજવાડામાંથી મેળવ્યું. આ પછી સીએમડી કોલેજમાંથી 12મું પૂરું કર્યું. ત્યાર બાદ બાજુના શહેરમાં તિલ્કા માંજી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું. સાત વર્ષની ઉંમરથી, અથવા એમ કહું કે જ્યારથી હું સમજણી થઈ, ત્યારથી જ હું સમજી ગઈ કે હું છોકરો નથી.

ઘરે વાત કરી ત્યારે મમ્મી તો સીધી રડવા જ માંડી. પણ પછી મમ્મીએ મને ખૂબ સપોર્ટ કર્યો. પરંતુ સમાજના ડરથી તે ક્યારેય જાહેર કરી ન શકી. લોકો શું કહેશે તેનાથી તે ડરતી હતી. પિતા ક્યારેય મારી ઓળખથી કમ્ફર્ટેબલ ન હતા. મમ્મીએ સમજાવ્યું હતું કે, ‘તું ભણજે અને ભણીને આગળ વધજે. કેમ કે જો તું ખાલી ટ્રાન્સજેન્ડર બની એમની સાથે રહી ગઈ તો તાલીઓ પાડતી રહી જઈશ.’ ઘરમાં આર્થિક તંગી હતી. એકવાર મને લાગ્યું કે હું આગળ ભણી શકીશ નહીં, પણ પછી મેં ગામના એક વ્યક્તિ પાસેથી 1300 રૂપિયા ઉછીના લીધા અને સવારે અખબાર વહેંચવાનું કામ પણ કર્યું. 5 વર્ષ સુધી ઘરે-ઘરે અખબારો પહોંચાડવાનું કામ કર્યું.

વર્ષ 2014માં 18 વર્ષની ઉંમરે મેં ઘર છોડી દીધું, કારણ કે મારા શરીરમાં થઈ રહેલા ફેરફારોને કારણે પંજવાડામાં જીવન દિનપ્રતિદિન મુશ્કેલ બની રહ્યું હતું. આવી સ્થિતિમાં, ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં, હું બિહારમાં ઘર છોડીને મારી બહેન સાથે રહેવા બેંગલુરુનાં આસનસોલ જતી રહી. ત્યાં રહીને મેં ADCA અને ITI કર્યું. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરી.

મારે આખું જીવન મારી આઇડેન્ટિટી છુપાવીને જીવવું પડ્યું છે. હું ઘરની બહાર પણ નહોતી નીકળી શકતી, પણ મેં નક્કી કરી રાખ્યું હતું કે મારે આમ ને આમ નથી જીવવું. એટલે મેં દીદીનું ઘર પણ છોડી દીધું. મને ભણવાનો પહેલેથી જ શોખ હતો, એટલે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી.’ ગણિતનું કોચિંગ પણ લીધું જેથી મને સારી નોકરી મળી શકે.

બેંગલુરુમાં મારું કોચિંગ ચાલુ હતું એ સમયે એક વાર હું બસમાં જતી હતી, ત્યારે મને એક છોકરો મળ્યો અને એ પણ મારા જેવો જ હતો. મને એનું વર્તન સારું લાગ્યું અને મેં એની સાથે વાત કરી. બસ પછી તો એ મને એમની ઓફિસે લઈ ગયો. ત્યાં તો બહુ બધા મારા સમુદાયનાં અમારી જેવા જ લોકો હતા. ત્યારે મને ખબર પડી કે, હું આવી એકલી નથી, મારા જેવા બહુ જ બધા લોકો છે. માનો કે મને મારી દુનિયા મળી ગઈ. મને ત્યાં મજા આવી ગઈ. પછી તો હું રોજે મારા ક્લાસ પૂરા કરીને ત્યાં જતી રહેતી. બધા સાથે વાત કરીને મજા આવતી. હું વાસ્તવિક ઓળખ સાથે ત્યાં રહેવા લાગી. શણગાર કરતી અને છોકરીની જેમ તૈયાર થતી. મારા પરિવારને કહ્યું – હું બેંકમાં જૉબ કરવા લાગી છું.

એક દિવસ મારા ગુરુએ મને ભીખ માંગીને અને ગુણગાન ગાઈને પૈસા કમાવવાનો આદેશ આપ્યો. હું તેની સામે રડી. આજીજી કરી કે હું ઘરનું તમામ કામ કરીશ, પરંતુ આ કામ કરાવશો નહીં. ગુરુએ કહ્યું- બહુ છોકરી ન બન અને તે બિલકુલ ન ભૂલો કે આપણે લોકો કોણ છીએ, આપણે વ્યંઢળ છીએ અને આ આપણું કામ છે. તે દિવસે એક મોટો આંચકો લાગ્યો. અંતે, ભીખ માંગી. અભિનંદન ગીત ગાયાં. તેમાંથી જે રકમ મળતી, તેમાંથી તે પૈસામાંથી તે અડધો ભાગ ગુરુને આપી દેતી અને બાકીનો અડધો ભાગ સર્જરી માટે બચાવતી.

પટણાના દાનાપુરમાં અમારા સમુદાય માટે ગરિમા ગૃહ (વન સ્ટોપ સેન્ટર) ખોલવામાં આવ્યું છે તેવી માહિતી મળતા હું અહીં આવીને રહેવા લાગી. રેશમા પ્રસાદ, જે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ અને મૈત્રીપૂર્ણ સંસ્થા ચલાવે છે, તે ઈચ્છતી ન હતી કે કોઈ ટ્રાન્સજેન્ડર બાળક તાળીઓ પાડે કે ભીખ માંગે. તે ઈચ્છે છે કે દરેક વ્યક્તિ ભણે અને લખે અને સામાન્ય જીવન જીવે. હું જ્યારે તેમને મળી ત્યારે જ મેં શપથ લીધા કે ગમે તે થાય, હું ન તો ભીખ માંગીશ કે ન તો તાળી પાડીશ. ગરિમા ગૃહમાં રહીને મેં બે વર્ષ સુધી અભ્યાસ કર્યો.

વર્ષ 2021માં મેં કોચિંગ માટે ઘણી સંસ્થાઓની મુલાકાત લીધી હતી, પરંતુ મારી શારીરિક રચના જોઈને બધાએ મને તિરસ્કારથી ના પાડી દીધી હતી. પરંતું રેશ્મા પ્રસાદે અદમ્ય અદિતિ ગુરુકુલના ગુરુ ડૉ. એમ રહેમાન સાથે મને કોંચિંગ આપવા માટે વાત કરી. ત્યાર બાદ રહેમાન સરે મને માત્ર ભણાવી જ નહીં પણ ફી પણ ન લીધી અને પુસ્તકો અને ચોપડાં ખરીદવાના પૈસા પણ આપ્યા. કોચિંગ માટે સવારે 5 વાગ્યે ઘરેથી નીકળી જતી અને બપોરે 2 વાગ્યે પહોંચતી. કેટલીકવાર, જો રાતનું કંઈ વધ્યું હોય તો તે ખાઈ લેતી અને જો કંઈ ન બય્યું હોય તો ભૂખી જ રહેતી. છેલ્લાં 3 વર્ષથી હું તૈયારીઓ કરતી હતી. જ્યારે BPSSCની પરીક્ષા આપી, તો પ્રથમ પ્રયાસમાં જ તે પાસ કરી અને બિહારની પ્રથમ ટ્રાન્સજેન્ડર સબ-ઇન્સ્પેક્ટર બની. ફાઇનલી હવે PSIની જોબ માટે સિલેક્ટ થઈ ગઈ છું. હજુ ઓફર લેટર આવ્યો છે. કઈ જગ્યાએ જોબનું પોસ્ટિંગ મળશે એ બાકી છે.’

આ દરમિયાન રેશ્મા પ્રસાદે તેમનો પરિચય મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે કરાવ્યો. બિહારમાં સરકાર ટ્રાન્સજેન્ડર્સને 1.5 લાખ રૂપિયાની સહાય પૂરી પાડે છે. મને પણ આ રકમ મળી હતી અને મારી પાસે થોડી રકમ હતી, જે મેં બેંગ્લોરમાં રહેતા સમયે સાચવી રાખી હતી. આ રીતે, ઑક્ટોબર 2022માં સર્જરી કરીને, સંપૂર્ણપણે માનવી મધુ કશ્યપ બની ગઈ.

મધુ ગર્વથી કહે, ‘મને મારા દેશ પ્રત્યે પૂરો પ્રેમ છે. હું મારા દેશને છોડીને શા માટે જાઉં? મારે આ જ સંસ્કૃતિમાં રહેવું છે. હા, એટલી ઈચ્છા ખરી કે, બીજા દેશમાં જેટલી સ્વતંત્રતા છે, એટલી અહીં પણ મળે. પણ હું મારો દેશ તો ક્યારેય નહીં છોડું. મને મારી આઇડેન્ટિટી પર જેટલો ગર્વ છે એટલો જ ગર્વ મારા દેશ પર પણ છે.’

મધુ પોતાની દુ:ખભરી લાઈફ વિશે વાત કરતાં કહે, જો કોઈને ખબર પડી જતી કે હું ટ્રાન્સ છું તો તરત જ એ લોકો ગંદી ઓફર કરતાં કે, ‘ચલ, આવવું છે? 200 રૂપિયા આપીશ.’ એવા લોકો જાનવરોને પણ નથી છોડતા, તો અમે તો ટ્રાન્સજેન્ડર હતા. અમને ક્યાંથી બક્ષી દેવાના હતા? લોકોને ખબર હતી કે આમને સપોર્ટ કરવાવાળું કોઈ નથી. આમની સાથે કંઈ પણ કરો, કોણ શું કરવાનું છે. લોકો મને ખરાબ બોલતા, હેરાન કરતાં તો પણ હું કોઈને કંઈ કહી નહોતી શકતી. કહું તો પણ કોને કહું? મમ્મીને કહું તો એ કશું કરી ન શકે અને પપ્પા તો ઉપરથી મને ખીજાતા. એટલે ઘણું સહન કરવું પડ્યું.

ઘણા લોકો તો છેડતી પણ કરતાં, ક્યારેક હાથ પકડી લેતા. એટલે મેં નક્કી કરી લીધું કે, જો પર્ફેક્ટ છોકરી બની જઈશ તો પછી કોઈ છેડતી નહીં કરે, કેમ કે છોકરીઓ માટે તો કાયદા પણ એટલા છે. છોકરીની છેડતી કરવી પણ ગુનો છે. એટલે જો એકવાર પર્ફેક્ટ છોકરી બની ગઈ તો પછી કોઈ હેરાન નહીં કરે.

મધુને પોતાના સંબંધીઓ પાસેથી પણ એટલાં જ મેણાં ટોણા સાંભળવા પડ્યાં હતાં. એ વિશે વાત કરતાં તે કહે, ‘મને પાડોશીઓ નહોતા છોડતા, તો સંબંધીઓ તો ક્યાંથી છોડવાના. મને તો ઓછું કહેતા, પણ મમ્મીને બહુ સાંભળવતા. હંમેશાં મારાં મમ્મીને કહ્યે રાખતાં કે, ‘આ કિન્નર જેવો છોકરો શું બનશે? મોટો થઈને આ ટ્રાન્સજેન્ડર શું કરી લેવાનો છે. આનાથી કશું નહીં થાય.’ પણ મમ્મીને મારા પર ભરોસો હતો. એ કહેતા કે આ છોકરો જ મોટો થઈને સક્સેસ થશે. હંમેશાં મારી સાઈડ લેતાં. હું ઘરની બહાર નહોતી નીકળી શકતી. ઘરની બહાર નીકળું તો પણ લોકો મને ચીડવતા. બહાર કોઈ મિત્રો પણ મારી સાથે નહોતા રહેતા. જે મારા ખાસ મિત્રો હતા, એમને પણ મેં જ્યારે હકીકત જણાવી તો ત્યારથી એ લોકોએ પણ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.

અમે લોકો ગમે એટલું ભણી લઈએ, પણ કોઈ નોકરી નથી આપતું. ઘણા ટ્રાન્સજેન્ડર તો PhD કરીને બેઠા છે, તો પણ એમને નોકરી નથી મળતી. ઘણા ટ્રાન્સજેન્ડર લોકોએ ડૉક્ટરેટ કરેલું હોય ને તો પણ એમને કોઈ નોકરી નથી આપતું. જે ટ્રાન્સ તાલીઓ પાડે છે એમણે પણ મજબૂરીમાં તાલીઓ પાડવી પડે છે. એમની પણ મજબૂરી હોય છે, જો કોઈ નોકરી કે કંઈ કામ અપાવી દે તો અમારે પણ તાલી નથી પાડવી.

મારે લાઈફમાં મારા શોખ પૂરા કરવા હતા. એક ટ્રાન્સજેન્ડર બનીને બેસી નહોતું રહેવું. મારાં પણ સપનાં હતાં. ઘર છોડ્યું ત્યારથી નક્કી કરીને રાખ્યું હતું કે, જે મધુ આ સમાજના કારણે ઘર છોડે છે, એ જ મધુ માટે આ લોકો તાલી પાડશે. જે સમાજે મને ગાળો આપી છે, હું એમની પાસે તાલીઓ વગડાવીને રહીશ. સમાજ માટે મેં બહુ તાલીઓ પાડી, હવે આ સમાજ મારા માટે તાલીઓ પાડશે.

મને ખબર હતી કે, જો એક વાર સક્સેસ થઈ ગયા તો લોકો ભૂલી જશો કે તમે કોણ છો. નેતાઓ જ્યારે પોલિટિક્સમાં ઘૂસીને એક વાર ચૂંટાઈ જાય પછી લોકો તરત જ ભૂલી જાય છે કે, આણે કેટલા ગુનાઓ કર્યા હતા. અને ઊલટાના લોકો એમને સેલ્યુટ કરે છે. તમે એક વાર સક્સેસફુલ થઈ જાઓ એટલે લોકો ભૂલી જાય છે કે તમે કોણ હતા.

મધુનું કહેવુ છે કે આગળના જન્મમાં હું છોકરો જ બનવા માગીશ. છોકરાઓ જેવી સારી લાઈફ કોઇની નથી હોતી, જ્યારે પણ જ્યાં પણ જવું હોય તો ત્યાં જઈ શકે. આખો સમાજ પુરુષપ્રધાન સમાજ છે. જે છોકરીઓ જોબ નથી કરતી એ મજૂરની જેમ જ રહે છે. દરેક વસ્તુ એમણે ઘરે પૂછીપૂછીને કરવી પડે છે. જો લગ્ન થઈ જાય તો પણ પતિને પૂછ્યા વિના કશું નથી કરી શકતી.