વડોદરામાં ચાલુ સ્કૂલે ક્લાસ રૂમની દીવાલ પડતાં 4 વિદ્યાર્થી પટકાયા, સ્કૂલને સીલ મારવામાં આવી

narayanschool

જ્યાં સુધી બિલ્ડિંગ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી સ્કૂલનો વપરાશ ન કરવા માટેની તાકીદ કરવામાં આવી

વડોદરામાં શાળાની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ પર ગુરુકુલ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં અચાનક પહેલા માળે એક ક્લાસ રૂમની દીવાલ ધરાશાયી થઈ હતી. આથી ચાલુ ક્લાસ રૂમમાંથી બેન્ચો સાથે 4 વિદ્યાર્થી 10 ફૂટ નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયા હતા. આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથામાં ટાંકા આવ્યા છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જ્યારે આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા નારાયણ વિદ્યાલયને સીલ મારવામાં આવી છે. પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ, આ અંગેનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અંગે પણ અમે તપાસ કરી રહ્યા છે કે કયા આધાર પર તે આપવામાં આવી છે. આ સમગ્ર બનાવવામાં સ્કૂલ તરફથી સ્કૂલ બિલ્ડીંગ ઓકે કન્ડિશનમાં નહીં આવે ત્યાં સુધી તેને ખોલવામાં નહીં આવે અને તેના આધારે જ અમે સીલ કર્યું છે.

DEO આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા લેખિતમાં રજૂઆત આપવામાં આવી છે. એમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકારી ધારાધોરણ અનુસાર નિયમ અનુસાર જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાના સમાચાર મળતા તુરંત એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી. શિક્ષણ નિરીક્ષકના નેતૃત્વમાં ત્યાં સ્થળ ઉપર મુલાકાત લઈ અને ઘટનામાં જે ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા તેઓના વાલીઓના સંપર્ક કરી એમની સાથે વાતચીત કરવામાં આવી હતી. જ્યાં સુધી બિલ્ડિંગ બાળકો માટે સલામત છે તે સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ આપે તેવી સ્કૂલને સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા પણ જ્યાં સુધી યોગ્ય પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સ્કૂલનો વપરાશ ન કરવા માટેની તાકીદ કરવામાં આવી છે.

સ્કૂલના આચાર્ય રૂપલબેન શાહે જણાવ્યું હતું કે, બાળકોને અમે આજે અને સોમવારે બિલકુલ રજા જ આપી છે. અમે હમણાં વૈકલ્પિક ઓનલાઈન શિક્ષણનો વિચાર કર્યો છે. અમારા ટ્રસ્ટી મંડળની મિટિંગ થશે. જેમાં બાળકનો અભ્યાસ ન બગડે તે માટેનો નિર્ણય કરીશું. ફરીથી સર્ટિફિકેટ મળી જાય પછી જ સ્કૂલ શરૂ કરીશું.

ઘટનાને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર ડીઈઓને આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવી છે કે, આ ઘટના માટે શાળા સંચાલકને જવાબદાર ગણી શાળાની માન્યતા તાત્કાલિક ધોરણે રદ કરી ઉચ્ચત્તમ દરે પેનલ્ટી લગાડવી જોઈએ. સાથે સાથે ડીઈઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી, આ ઘટનાની પાયાના નિષ્કર્ષ સાથે તપાસ થાય અને જે પણ ગુનેગાર હોય તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ આપવા માટે વિનંતી કરવામાં આવી છે. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આશા રાખે છે કે, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન ઘટે તે માટે તમામ શાળા સંચાલકો જરૂરી તકેદારી રાખે અને સરકારના ધારાધોરણોનું કડકપણે પાલન કરે.

આ દીવાલ ધરાશાયી થઈ છે એની હાઈટ અંદાજિત 20 ફૂટ જેટલી છે, પરંતુ બાળકો ફર્સ્ટ ફ્લોર એટલે કે કોન્ફરન્સ હોલની ઉપર બેઠા હતા અને પાછળના ભાગે શેડ હતો. દીવાલ ધરાશાયી થયા બાદ બાળકો નીચે પટકાતાં શેડ હોવાથી આબાદ બચાવ થયો છે. આ બાળકો 10 ફૂટની ઊંચાઈથી પટકાયા હોવા છતાં માત્ર એક જ બાળકને ઈજા પહોંચી હતી.