UPSCએ નોટિસ જારી કરીને પૂજા ખેડકર પાસે જવાબ માગ્યો છે કે પોતાની ઉમેદવારી કેમ રદ ન કરવામાં આવે ?
મહારાષ્ટ્ર કેડરની ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરનું IAS સિલેક્શન રદ કરવાની નોટિસ UPSCએ શુક્રવારે જારી કરી હતી. UPSCએ પૂજા વિરુદ્ધ FIR પણ નોંધાવી છે. પૂજા ખેડકર પર OBC અને ડિસેબિલિટી ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ ઉપરાંત સિવિલ સેવા પરીક્ષા 2022થી તેમની ઉમેદવારી કેમ રદ ન કરવામાં આવે અને ભવિષ્યની પરીક્ષાઓથી તેમણે કેમ ન અટકાવવામાં આવે તે અંગે કારણ જણાવો નોટિસ આપી છે.
વિવાદોમાં ઘેરાયા બાદ 2023 બેચના IAS અધિકારી પૂજા ખેડકર UPSCમાં અપંગતા અને અન્ય પછાત વર્ગ (OBC) ક્વોટા હેઠળ સિલેક્શન અને પુણે કલેક્ટર કચેરીમાં નિમણૂક દરમિયાન તેમના વર્તન માટે તપાસ હેઠળ છે. વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે (16 જુલાઈ) પૂજા ખેડકરની ટ્રેનિંગ રોકી દીધી હતી. તેમને 23 જુલાઈ પહેલાં મસૂરી સ્થિત સિવિલ સર્વિસ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ LBSNAAમાંથી પાછી બોલાવવામાં આવી છે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પૂજા ત્યાં જ રહેશે.
UPSCએ નોટિસ જારી કરીને પૂજા ખેડકર પાસે જવાબ માગ્યો છે કે પોતાની ઉમેદવારી કેમ રદ ન કરવામાં આવે અને આગામી UPSCની પરીક્ષાઓથી વંચિત કેમ રાખવામાં ન આવે. UPSC તરફથી કહેવામાં આવ્યું છે કે, પૂજા ખેડકર વિરુદ્ધ વિસ્તૃત તપાસ કરાઈ છે. જેમાં ખ્યાલ આવ્યો છે કે તેમણે સિવિલ સેવા પરીક્ષા 2022માં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. તેમની પરીક્ષામાં બેસવાની લિમિટ પૂરી થઈ ગઈ હતી. જે બાદ તેમણે ખોટી રીતે પોતાની ઓળખ બદલીને UPSCની સિવિલ સેવા પરીક્ષા આપી. તેણે પોતાનું નામ, પિતાનું નામ, માતાનું નામ, ફોટો અને સાઈન પણ બદલી નાખી હતી. આ ઉપરાંત મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને એડ્રેસ પર બદલાવ્યું હતું. ખોટી રીતે નવી ઓળખ ઊભી કરવાને કારણે તેણે લિમિટથી વધુ વખત પરીક્ષામાં બેસવાની તક મળી.
કેન્દ્રીય કર્મચારી મંત્રાલયની સમિતિએ પણ પૂજા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સમિતિએ પૂજા ખેડકરના OBC નોન-ક્રીમી લેયર અને વિકલાંગતાનાં પ્રમાણપત્રો માગ્યાં છે. અહમદનગરના જિલ્લા કલેક્ટર અને નાશિકના ડિવિઝનલ કમિશનર બંને પ્રમાણપત્ર અને તેમનો રિપોર્ટ સબ્મિટ કરશે. એ જ સમયે, પર્સનલ ઓડી કાર પર લાલ-વાદળી લાઇટ લગાવવા સહિતના અન્ય આરોપો અંગે આરટીઓ અને પોલીસ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.
બીજી તરફ, પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકરે પુણેની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. જમીન વિવાદમાં ખેડૂતોને ધમકી આપવા બદલ પોલીસ તેમની શોધ કરી રહી છે. દિલીપ હાલ ફરાર છે. આ કેસમાં દિલીપ ખેડકરની પત્ની મનોરમાની ગુરુવારે (18 જુલાઈ) ધરપકડ કરવામાં આવી હતી. પૂજાની માતા મનોરમાએ એક ખેડૂતને પિસ્તોલ બતાવીને ધમકી આપી હતી. મનોરમા રાયગઢ જિલ્લાના એક લોજમાં છુપાયેલી હતી. તેની સાથે એક છોકરો પણ હતો, જેને તેને પોતાનો દીકરો કહ્યો હતો. પુણેની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનોરમાને 20 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યા બાદ 11 જુલાઈએ પૂજાનાં માતા-પિતા સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.