આજે એટલે કે શુક્રવારે માઇક્રોસોફ્ટના સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના કારણે એરલાઈન્સ, ટીવી ટેલિકાસ્ટ, સ્ટોક એક્સચેન્જ, બેન્કિંગ અને વિશ્વભરની ઘણી કોર્પોરેટ કંપનીઓની કામગીરી પ્રભાવિત થઈ છે. ભારત સહિત વિશ્વભરના એરપોર્ટ પર ચેક-ઈન અને ટિકિટ બુકિંગમાં સમસ્યા છે, જેના કારણે ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા કેન્સલ થઈ છે.
માઈક્રોસોફ્ટનું મોટું નિવેદન
સર્વરમાં ખામીને લઈને માઈક્રોસોફ્ટનું મોટું નિવેદન સામે આવ્યું. માઈક્રોસોફ્ટે કહ્યું કે અમે સેવાઓમાં સતત સુધારાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમને આ ખામીની જાણ થઈ છે. અનેક ટીમ કામે લાગી છે. અમે આ ખામીનું કારણ જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ.
https://x.com/ANI/status/1814198679051415713
દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા છે. ભારતમાં ચાર એરલાઈન્સ- ઈન્ડિગો, સ્પાઈસજેટ, અકાસા એર અને એર ઈન્ડિયા એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે તેમની બુકિંગ, ચેક-ઈન અને ફ્લાઈટ અપડેટ સેવાઓ ટેકનિકલ સમસ્યાને કારણે પ્રભાવિત થઈ છે. એરપોર્ટ પર સર્વિસના અભાવે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
માઈક્રોસોફ્ટની ટેકનિકલ સમસ્યા બાદ મુસાફરોને હાથેથી લખેલા બોર્ડિંગ પાસ આપવામાં આવી રહ્યા છે. દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ ડિપાર્ચર સંબંધિત માહિતી દેખાતી નથી જેના લીધે એરપોર્ટ પર ફ્લાઇટ ડિપાર્ચર સાથે જોડાયેલી જાણકારી મેન્યુઅલી વ્હાઇટબોર્ડ પર લખીને આપવામાં આવી રહી છે. જયપુર એરપોર્ટ પર લોકો ચેક-ઇન ન કરી શકતા હોવાથી પરેશાન થઈ રહ્યા છે.
હૈદરાબાદ અને બેંગલુરુની મોટાભાગની કોર્પોરેટ કંપનીઓમાં વાયરસ એટેકની વાત કહેવામાં આવી રહી છે. સિસ્ટમ બ્લૂ સ્ક્રીનમાં આવ્યા પછી રીસ્ટાર્ટ થઈ રહી છે. હૈદરાબાદમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓને 2 કલાક સુધી સિસ્ટમ ઓફ કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભારત સરકાર માઇક્રોસોફ્ટના સંપર્કમાં
પૂર્વ IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું- આશા છે કે સેવાઓ જલ્દી જ શરૂ થશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે X પર લખ્યું- ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય વૈશ્વિક આઉટેજ અંગે Microsoft અને તેના ભાગીદારો સાથે સંપર્કમાં છે. આ આઉટેજનું જાણી લેવામાં આવ્યું છે અને સમસ્યાને ઉકેલવા માટે અપડેટ્સ રિલીઝ કરવામાં આવ્યા છે. CERT ટેક્નિકલ એડવાઈઝરી જારી કરી રહ્યું છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર નેટવર્ક પ્રભાવિત નથી.
હાલમાં આ ટેક્નિકલ ખામીને કારણે બ્રિટિશ રેલ્વેએ તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. ભારતની રાજધાની દિલ્હી એરપોર્ટ પર ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ છે. અને સર્વરની ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક કેપિટેક પણ આ સમસ્યાથી પ્રભાવિત થઈ છે.
લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે. નુવામા, 5Paisa અને IIFL સિક્યોરિટીઝ સહિત કેટલાક અન્ય બ્રોકરેજ હાઉસની સેવાઓ પણ માઈક્રોસોફ્ટની ટેકનિકલ ખામીઓને કારણે પ્રભાવિત થઈ છે. લોકો ખરીદી અને વેચાણ માટે સોદા કરી શકતા નથી.
માઈક્રોસોફ્ટમાં ગ્લોબલ ટેકનિકલ ખામી સર્જાતા ઓસ્ટ્રેલિયા સરકાર હરકતમાં આવી છે. સરકારે આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મહત્ત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં પણ એરલાઈન્સ, સુપર માર્કેટ, મોલ અને મીડિયા સેવાઓ પર અસર થઈ છે. અહીં ABC ન્યૂઝ ચૅનલમાં ખામી સર્જાતા બંધ થઈ હતી.
કયા કયા દેશોમાં અસર થઇ?
અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા 911 ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી.
કયા કયા ક્ષેત્રો પર અસર થઇ?
ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.