બેંગ્લોરના જાણીતા જીટી મોલમાં ધોતી પહેરેલા એક ખેડૂતને મૉલમાં પ્રવેશ ન આપતાં મોલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા મોલને 7 દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બેંગ્લોરના જાણીતા જીટી મોલમાં ધોતી પહેરેલા એક ખેડૂતને મૉલમાં પ્રવેશ ન આપતાં વિવાદ સર્જાયો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઘટનાનો ખેડૂતો સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ધોતી પહેરેલા ખેડૂતને મોલમાં પ્રવેશવા દેવા બદલ પોલીસે GT વર્લ્ડ શોપિંગ મોલના માલિક અને સુરક્ષા ગાર્ડ સામે કેસ નોંધ્યો છે.
હાવેરીમાં રહેતો નાગરાજ તેના પિતા ફકીરપ્પા સાથે ફિલ્મ જોવા માટે જીટી મોલમાં ગયો હતો. નાગરાજના પિતાને સિક્યુરિટી ગાર્ડે મોલમાં પ્રવેશવા દીધો ન હતો કારણ કે તેણે ધોતી પહેરી હતી. આ દરમિયાન તે અડધો કલાક સુધી સુરક્ષાકર્મીઓની આજીજી કરતો રહ્યો, પરંતુ તેમ છતાં તેને મોલમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. જ્યારે આ મામલે સુરક્ષાકર્મીઓની પુછપરછ કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે મોલના નિયમો અનુસાર ધોતી પહેરેલા લોકો પ્રવેશ કરી શકતા નથી.
જુઓ વીડિયો.
https://x.com/IndianTechGuide/status/1813815974489145667
આ ઘટનાથી દુ:ખી ખેડૂત અને તેમના દીકરાએ વીડિયોમાં મોલના સુરક્ષાકર્મીઓ અને મોલના મેનેજર પર આરોપ લગાવ્યા હતા. વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પહેરેલા કપડાને કારણે તેમને મોલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમણે મોલના મેનેજમેન્ટ વિરૂદ્ધ કડક પગલા લેવા વિનંતી કરી હતી.
ફરિયાદના આધારે કેપી અગ્રાહરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે મોલના સુરક્ષા ગાર્ડને યોગ્ય સૂચના આપવામાં આવી ન હતી અને તેઓએ ખેડૂતનું અપમાન કર્યું છે. તેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ કેસ નોંધ્યો છે.
ઘટનાનો વીડિયો વાઈરલ થતા કર્ણાટક વિધાનસભામાં આ મુદ્દો ઉઠ્યો. ત્યારે કર્ણાટકના શહેરી વિકાસ મંત્રી સુરેશે જણાવ્યું હતું કે બ્રુહત બેંગલુરૂ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ સાથે વાત કરી છે. આ ઘટનામાં કાર્યવાહી કરતાં જીટી મોલ 7 દિવસ બંધ કરવામાં આવ્યો છે.