પૂજા ખેડકર વિશે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપ છે કે પૂજા ખેડકરે દૃષ્ટિહીન અને માનસિક રીતે બીમાર હોવાનું પ્રમાણપત્ર સબમિટ કરીને UPSC પરીક્ષામાં ભાગ લીધો હતો.
છેલ્લાં કેટલાંક દિવસથી વિવાદોમાં ઘેરાયેલી મહારાષ્ટ્રની ટ્રેઈની IAS પૂજા ખેડકરે હવે પુણે જિલ્લા મેજિસ્ટ્રેટ વિરુદ્ધ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. પૂજા ખેડકરે પુણે કલેક્ટર સુહાસ દિવાસે વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી કાર્યવાહીની માગ કરી છે. પોલીસ સૂત્રોએ મંગળવારે સાંજે આ અંગે જાણકારી આપી છે. સુહાસ દિવાસે તે જ અધિકારી છે, જેની ફરિયાદ પર પૂજા ખેડકરનું ટ્રાંસફર પુણેથી વાશિમ કરાયું હતું અને ખેડકરના નખરાંના સમાચાર મીડિયામાં છવાઈ ગયા હતા.
સરકારે મંગળવારે વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરના જિલ્લા પ્રશિક્ષણ કાર્યક્રમને સ્થગિત કરી દીધો અને તેને 23 જુલાઈ સુધી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં રિપોર્ટ કરવાનું કહેવામાં આવ્યું છે. પૂજા ખેડકર સિવિલ સેવા પરીક્ષામાં પસંદ થયા બાદ તેને ચીટિંગ કરી હોવાના આરોપો લાગી રહ્યાં છે.
સૂત્રોના જણાવ્યા સોમવારે મોડી સાંજે પોલીસની ટીમ પૂજાના વાશિમમાં ઘરે પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. વાશીમની મહિલા પોલીસની ટીમ પૂજાના ઘરે ગઈ હતી. પૂજાએ વાશિમ કલેક્ટર બુવેનેશ્વરી એસ પાસેથી પરવાનગી લઇને કેટલીક માહિતી શેર કરવા માટે પોલીસને ફોન કર્યો હતો. 3 મહિલા પોલીસકર્મીઓની ટીમ પૂજા ખેડકરના ઘરે ગઈ હતી. તેમાંથી એક એસીપી પણ હતા, જે ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. વાશિમ પોલીસ સોમવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પૂજા ખેડકરના ઘરે પહોંચી અને 1 વાગ્યે બહાર આવી હતી. જ્યારે પોલીસને કારણ પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું કે તેઓ સત્તાવાર હેતુ માટે આવ્યા હતા.
પૂજા ખેડકરે બે વાર વિકલાંગતા સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. પરંતુ પુણેની ઔંધ હોસ્પિટલે તેની અરજી નામંજૂર કરી દીધી હતી. ટીમે રિપોર્ટના આધારેદાવાને યોગ્ય માન્યો નથી. જેથી દિવ્યાંગતા સર્ટિફિકેટ જાહેર કરવું શક્ય નથી. એ પછી તેમણે પિંપરી-ચિંચવડની ગવર્નમેન્ટ હોસ્પિટલમાં દિવ્યાંગતા સર્ટિફિકેટ માટે અરજી કરી હતી, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો.
પૂજા ખેડકરની ઉમેદવારી ચકાસવા માટે કેન્દ્રએ એક સભ્યની સમિતિની રચના કરી છે. તેનો હેતુ 2023 બેચના અધિકારી ખેડકરની ઉમેદવારીના દાવા અને અન્ય વિગતોની ચકાસણી કરવાનો રહેશે. કમિટી બે સપ્તાહમાં પોતાનો રિપોર્ટ આપશે.
પૂજાએ પોતાને કથિત રીતે શારીરિક રીતે દિવ્યાંગ અને ઓબીસી સમુદાયની ગણાવી હતી. પૂજાએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને આપેલા એફિડેવિટમાં દાવો કર્યો છે કે તે માનસિક રીતે અક્ષમ છે અને તેને જોવામાં પણ તકલીફ છે. મેડિકલ ટેસ્ટ આપવો જરૂરી હોવા છતાં તેણે 6 વખત મેડિકલ ટેસ્ટ આપવાની ના પાડી હતી.
પોલીસની ટીમ પૂજાના પિતા દિલીપ ખેડકર અને માતા મનોરમા ખેડકરની શોધમાં સતત દરોડા પાડી રહી છે. જમીનના કબજાને લઈને થયેલા વિવાદ અને ફાયરિંગની ઘટના બાદ પોલીસે બંને વિરુદ્ધ FIR નોંધી છે.
UPSC સિલેક્શનમાં ગેરરીતિઓ ઉપરાંત 34 વર્ષની પૂજા ખેડકર તેની કરોડોની સંપત્તિના કારણે પણ ચર્ચામાં છે. પૂજા ખેડકર લગભગ 17-22 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
વર્ષ 2023માં જોડાતાં પહેલાં સરકારને આપેલી તેની સ્થાવર મિલકતની વિગતોમાં પૂજાએ જણાવ્યું હતું કે તેણે 2015માં પુણેના મ્હાલુંગેમાં 2 પ્લોટ ખરીદ્યા હતા, જેમાં તેણે એક પ્લોટ 42 લાખ 25 હજાર રૂપિયામાં અને બીજો પ્લોટ 43 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં બંને પ્લોટની બજાર કિંમત રૂ. 6થી 8 કરોડની વચ્ચે છે.
પૂજાએ 2018માં પુણેના ધાનેરી વિસ્તારમાં 4.74 હેક્ટર જમીન 20 લાખ 79 હજાર રૂપિયામાં ખરીદી હતી. એની વર્તમાન કિંમત 3થી 4 કરોડ રૂપિયા છે. પૂજાએ 2020માં કેંધવામાં 724 ચોરસ ફૂટનો ફ્લેટ 44 લાખ 90 હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, જેની કિંમત હાલમાં 75 લાખ રૂપિયા છે.
પૂજાએ અનેક સુવિધાઓની માંગણી કરી હતી. વાસ્તવમાં, આ સુવિધાઓ તાલીમાર્થી અધિકારીઓ માટે ઉપલબ્ધ નથી, તેમ છતાં પૂજાએ લાલ-વાદળી લાઇટ અને VIP નંબર પ્લેટવાળી તેની અંગત ઓડી કારનો ઉપયોગ કર્યો. તેમના વાહન પર ‘મહારાષ્ટ્ર સરકાર’નું સાઈનબોર્ડ લગાવી સત્તાવાર કાર, રહેઠાણ, ઓફિસ રૂમ અને વધારાના સ્ટાફની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેમની ગેરહાજરીમાં સિનિયર ઓફિસરની ચેમ્બર પણ કબજે કરી લીધી હતી. આ તમામ મામલા બાદ પુણેના કલેક્ટર સુહાસ દિવસે મુખ્ય સચિવને પત્ર લખીને પૂજા ખેડકરની ફરિયાદ કરી હતી. જે બાદ પૂજાની વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. તેઓ ત્યાં મદદનીશ કલેક્ટર તરીકે જોડાયા છે.