સરકારે GMERS સંચાલિત કોલેજની ફી 80% ઘટાડી, ગવર્નમેન્ટની 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની ફી 12 લાખ કરી

medical-fee-down

મેડિકલ ફી ઘટી: મિડલ ક્લાસના વિદ્યાર્થીઓનું ડૉક્ટર બનવાનું સપનું થશે સાકાર
GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં વધારો જાહેર કરાતા ઠેર ઠેર તેનો વિરોધ થયો હતો

GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી મુદ્દે આખરે ગુજરાત સરકારે નમતુ જોખ્યું છે. રાજ્ય સરકારે ગત 30 જૂન, 2024ના રોજ GMERS(ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો હતો. આ ફી વધારાને લઈને લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સમગ્ર રાજ્યમાં ફી વધારાનો ભારે વિરોધ થયો હતો અને મેડિકલની ફીમાં ઘટાડો કરવાની માગ કરી હતી. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે.

રાજ્ય સરકારે GMERS કોલેજની 2100 બેઠકોમાં તાજેતરમાં નક્કી કરાયેલ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ગવર્મેન્ટ ક્વોટામાં પ્રવર્તમાન ફી રૂ. 5.50 લાખ હતી, જે ઘટાડીને રૂ. 3.75 લાખ કરવામાં આવી છે. એટલે કે અંદાજિત 80 ટકા ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખને બદલે હવે 12 લાખ ફી ચૂકવવી પડશે. એટલે કે મેનેજમેન્ટ ક્વોટામાં પણ 62.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફીનું માળખું શૈક્ષણિક વર્ષ 2024-25થી લાગુ કરવામાં આવશે. ફીમાં કરવામાં આવેલ આ ઘટાડો જાહેર કરવા છતાં પાછલા બારણેથી તો ગવર્નમેન્ટ ક્વોટાની ફીમાં 35000નો અને મેનેજમેન્ટ ક્વોટાની ફીમાં 2.25 લાખનો વધારો કર્યો છે. હવે ગવર્નમેન્ટ ક્વોટામાં એડમિશન માટે 3.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટા માટે 12 લાખ ફી ભરવાની રહેશે.

નોંધનીય છે કે, GMERS સંચાલિક MBBSની સરકારી ક્વોટાની બેઠકમાં ફીમાં અધધધ વધારો કર્યો હતો. જેને લઈને પેરેન્ટ્સ એસોસિએશનનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. સરકારના ફી વધારાના નિર્ણયને લઈને વાલી મંડળે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વાલી મંડળે મેડિકલની ફીમાં ઘટાડો કરવાની માગ કરી હતી, જેથી મિડલ ક્લાસના વિદ્યાર્થીઓ પણ પોતાનું ડૉક્ટર બનવાનું સપનું પુરુ કરી શકે.