યશસ્વી જયસ્વાલે તે કર્યું જે આજ સુધી કોઈ T20 ઈન્ટરનેશનલમાં નથી કરી શક્યું
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી T20 શ્રેણીની પાંચમી મેચ પણ ભારતે જીતી લીધી છે. આ જીતની સાથે જ ભારતે 4-1થી આ શ્રેણી પણ જીતી લીધી છે. પરંતુ આ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચમાં કંઈક એવું બન્યું જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલે પ્રથમ બોલમાં જ 13 રન બનાવીને એક અનોકો રેકોર્ડ બનાવી દીધો છે.
યશસ્વી જયસ્વાલે તે કર્યું જે આજ સુધી કોઈ T20 ઈન્ટરનેશનલમાં નથી કરી શક્યું. જયસ્વાલે ઝિમ્બાબ્વે સામે રમાયેલી પાંચમી T20માં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. જયસ્વાલે માત્ર એક બોલમાં સ્કોર 13 રન સુધી પહોંચાડ્યો હતો. હવે તમે પણ વિચારતા હશો કે 1 બોલમાં 13 રન કેવી રીતે બન્યા? તો એમા બન્યું એવુ કે…
ભારતીય ટીમ ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વે સામે પ્રથમ બેટિંગ કરવા આવી હતી. બોલિંગ કરવાનો નિર્ણય લેનાર કેપ્ટન સિકંદર રઝા પોતે પહેલી ઓવર નાખવા આવ્યો હતો. અગાઉની મેચમાં પણ ઝિમ્બાબ્વેએ સ્પિનર્સથી મેચની શરૂઆત કરવાનું જોખમ લીધું હતું. પરંતુ અગાઉ બેનેટને શરૂઆતની ઓવર્સમાં ભારતીય ઓપનર્સે બરાબર ધોઈ નાખ્યો હોવાથી આજે કેપ્ટન રઝાએ બોલ હાથમાં લીધો હતો.
યશસ્વી જયસ્વાલે કેપ્ટન શુભમન ગીલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી અને પહેલા જ બોલ પર એક જોરદાર સિક્સર ફટકારી હતી. બોલ ફૂલટોસ હતો જેને યશસ્વીએ યોગ્ય સ્થાને પહોંચાડી દીધો હતો. આ બોલને અમ્પાયર દ્વારા નો બોલ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ રઝાએ ફેંકેલા બીજા બોલને પણ યશસ્વીએ ટપ્પો પડ્યા વગર બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો હતો. આમ એક બોલમાં યશસ્વીએ 13 રન બનાવી દીધા હતા. જે T20 ક્રિકેટના ઇતિહાસમાં એક રેકોર્ડ છે.