અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

amdavad-rain

વરસાદને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં બપોરે 12:30 વાગ્યાની આસપાસ કાળાં ડિબાંગ વાદળો છવાયાં હતાં. ભારે પવન સાથે ધોધમાર વરસાદ શહેરમાં શરૂ થયો હતો. બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. માત્ર દોઢ કલાકમાં સરેરાશ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં પાણી ભરાવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સૈજપુર, કુબેરનગર, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થોડીવાર માટે ખમૈયા કર્યા બાદ શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો છે.

શહેરના એરપોર્ટથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી કરોડો રૂપિયાના ખર્ચે આઇકોનિક રોડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યો હતો. જે માત્ર એક ઇંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયો છે. આઇકોનિક રોડ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ત્યાં પાણી ભરાયાં છે.

ભારે વરસાદથી શહેરના મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાવવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. નરોડામાં નવયુગ ચાર રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા છે. તેમજ નરોડાના દહેગામ રોડ પર પણ પાણી ભરાયાં છે.

શહેરનાં કાંકરિયા, મણિનગર, જશોદાનગર, નરોડા, ઓઢવ, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, અમરાઇવાડીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં સ્કૂલવાન બંધ પડી ગઇ હતી. આથી વિદ્યાર્થીઓએ પાણીમાં ઊતરી વાનને ધક્કો મારવો પડ્યો હતો. અસારવામાં ઘૂંટણસમાં પાણી ભરાતા બેથી ત્રણ એએમટીએસ બસ બંધ પડી હતી. તેમજ અસારવામાં એક અને ચામુંડા બ્રિજ પાસે એક એમ બે એમ્બ્યુલન્સ થોડીવાર માટે ફસાઇ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડિવાઇડર પર નાનાં વૃક્ષ પડી ગયાં હતાં. પ્રીતમનગરમાં પણ પાણી ભરાયાં હતાં.

શહેરના વિરાટનગર, રખિયાલ, પાલડી, વાસણા, જમાલપુર, આશ્રમરોડ, લાલ દરવાજા, આસ્ટોડિયા, ખાડિયા સહિતના વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં ગોતા, સાયન્સ સિટી, જોધપુર, શિવરંજની, સેટેલાઈટ, આનંદનગર, પ્રહલાદનગર, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાં સરેરાશ એક ઇંચ વરસાદમાં પૂર્વ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. એક ઇંચ વરસાદમાં પણ રોડ પર પાણીનો ઝડપી નિકાલ થવાની જગ્યાએ પાણીનો ભરાવો થયો છે.

ઓઢવમાં 1.5 ઈંચ, નિકોલમાં સવા ઈંચ વરસાદ, કઠવાડામાં સવા ઈંચ, ચાંદખેડામાં સવા ઈંચ વરસાદ, રાણીપમાં પોણો ઈંચ, ઉસ્માનપુરામાં 1 ઈંચ વરસાદ, દુધેશ્વરમાં સવા ઈંચ, મેમ્કો વિસ્તારમાં 2 ઈંચ વરસાદ, નરોડામાં પોણા 2 ઈંચ, કોતરપુરમાં 1.5 ઈંચ વરસાદ, મણીનગરમાં 1 ઈંચ, બોડકદેવ વિસ્તારમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.

બપોરે 12થી 1 વાગ્યા દરમિયાન શહેરના મેમ્કો અને નરોડામાં 2 ઇંચ, કોતરપુર અને ઓઢવમાં દોઢ ઇંચ, ચકુડિયા, નિકોલ, કઠવાડા, ચાંદખેડા, દૂધેશ્વર, રાણીપ અને મણિનગરમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મેમ્કો અને સૈજપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૈજપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકોને વરસાદી પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.