નર્મદાના કરુડેશ્વરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, જનજીવન અસ્તવ્યસ્ત થયું
ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરવાનું શરુ કર્યુ છે. ગુજરાત ઉપર વરસાદની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય બની છે. આગામી 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતું. જ્યારે નર્મદાના ગરુડેશ્વરમાં પણ સવારે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજપીપળાનું લાછરસ ગામ બેટમાં ફેરવાયું હોય તેવાં દૃશ્યો સર્જાયા હતા.
ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી મેધરાજાએ આક્રમક વરસાદી ઈનિંગ આરંભતા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 6 કલાકમાં જ ધોધમાર 14 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગણતરીની કલાકોમાં વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાના નદી,નાળાં, ચેકડેમો ઓવરફ્લો થયાં હતાં. જેને લઇને જળશયો પરના લો લેવલ બ્રિજો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેને લઇને એક ગામથી બીજા ગામોનો સીધા સંપર્ક તૂટી ગયા હતા.
સુરતના ઉમરપાડા મેઘરાજાની ભારે પવન સાથે તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે ઉમરપાડા તથા માંડવી તાલુકાઓના 16 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. જરૂર જણાય ત્યાં બંધ રસ્તાઓ પાસે પોલીસ તથા હોમ ગાર્ડના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. જેને લઇને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ગળાડૂબ પાણી ભરાતાં લોકોને ઘરવખરી સહિત જાનમાલને નુકસાન પહોંચ્યું છે. જેથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
ભારે વરસાદનાં કારણે નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં પાણી ફરી વળતાં ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ હોય તેવાં દૃશ્યો સર્જાયાં છે. સવારથી ધોધમાર વરસાદ વરસતા આખું ગામ બેટમાં ફેરવાયું છે. લાછરસ ગામ સાથે, માંગરોલ, થરી, વડિયા જેવાં અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયાં છે, લોકોનાં ઘર, મંદિર, ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. કરજણ નદીનું પાણી છોડવામાં આવશે તો આ બધાં ગામોમાં નદીનું પાણી પણ ફરી વળશે તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે.