રાજકોટ TRP ગેમ ઝોનમાં આગની ધટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે મનસુખ સાગઠીયાની તપાસનો રેલો બિલ્ડરો સુધી પહોંચી શકે છે.
અગ્નિકાંડનો આરોપી TPO મનસુખ સાગઠિયાની તપાસનો રેલો રાજકોટના બિલ્ડરો સુધી પહોંચી શકે છે, જેને લાઈને બિલ્ડરોમાં જોવા મળ્યો ભયનો માહોલ. ACBએ આરોપી મનસુખ સાગઠિયાએ મંજૂર કરેલા પ્રોજેક્ટ રિપોર્ટ્સ અને છેલ્લા 12 વર્ષના હિસાબની વિગતો માગી હોવાથી કેટલાક બિલ્ડર્સની ચિંતા વધી છે.
રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી તેમાં 27 માનવ જીંદગી ઓલવાઈ ગઈ હતી. આ ટીઆરપી અગ્નિકાંડમાં ભ્રષ્ટ સરકારી બાબુઓની નીતિ બહાર આવતાં પોલીસ દ્વારા મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ સાગઠીયા, ફાયર બ્રિગેડના અધિકારી ઠેબા સહિતના અનેક સરકારી બાબુઓની ધરપકડ કરી છે.
રાજકોટનાં ટીઆરપી અગ્નિકાંડે સરકારી તંત્રની ભ્રષ્ટનીતિની પોલ ખોલી નાખી છે ત્યારે ટીઆરપી અગ્નિકાંડની તપાસ ACB દ્વારા આગળ વધી રહી છે.
ACB દ્વારા તપાસને લઈને બિલ્ડરોમાં ફફડાટ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં સતત ભ્રષ્ટનીતિની પોલ ખોલી નાખી છે અને મસમોટા ખુલાસા થયા છે. થોડા દિવસ પહેલા ટીપીઓ મનસુખ સાગઠીયા પાસેથી તેની આવક કરતાં વધારાની મિલકત મળી આવતાં તેમની સામે અપ્રમાણસર મિલકતનો એન્ટી કરપ્શન બ્યુરોએ ગુનો દાખલ પણ કર્યો હતો જેમાં સાગઠીયાની ટવીન ટાવરમાં આવેલી ઓફિસના સીલ ખોલી તપાસ કરતાં 18 કરોડના સોના -ચાંદીના દાગીના અને રોકડ મળી હતી. આમ ટીપીઓ મનસુખ સાગઠીયાની બેનામી સંપત્તિનો આંક 25 કરોડને આંબી ગયો છે, જેને લઈને તપાસ ચાલી રહી છે. દરમિયાન, મનસુખ સાગઠિયાની તપાસમાં ACB નો સિકંજો હવે બિલ્ડરો સુધી પહોંચ્યો હોવાની માહિતી છે. અહેવાલ મુજબ, ACBએ છેલ્લા 12 વર્ષ દરમિયાન મનસુખ સાગઠિયા દ્વારા મંજૂર કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સની વિગતો મગાવી છે. અનેક પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી મંજૂરી આપી હોવાની આશંકાએ ACB એ છેલ્લા 12 વર્ષનો હિસાબ માગતા બિલ્ડર્સમાં ફફડાટ ફેલાયો છે.
માહિતી મુજબ, ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી TPO મનસુખ સાગઠિયા દ્વારા મંજૂર કરેલ પ્લાનની હવે સઘન તપાસ કરવામાં આવશે. આશંકા છે કે કેટલાક પ્રોજેક્ટ્સમાં મર્જિંગ, જગ્યા અને નિયમમાં ગોલમાલ કરી મંજૂરી આપવામાં આવી હતી. આ સાથે TP સ્કીમમાં પણ બિલ્ડર લોબીને લાભ આપવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે. જો કે, આ મામલે ખરા અર્થમાં તપાસ થશે તો અનેક મોટા ગજાનાં બિલ્ડરના નામ સામે આવી શકે છે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જો આ પ્રકરણ બહાર આવે તો રાજકોટથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ અને ભાજપના આકાઓના પગ નીચેથી જમીન સરકી જશે તેમાં બે મત નથી.