વડોદરામાં હાર્દિક પંડ્યાનો ભવ્ય રોડ-શો, માનવ મહેરામણ ઉમટી પડ્યું

hardik-roadshow

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ પહેલી વાર યોજ્યો વિકટરી રોડ શો
‘પ્રાઈડ ઑફ વડોદરા’ એવું લખાણ લખેલી બસમાં ભારતીય ધ્વજ સાથે હાર્દિક પંડ્યા દેખાયો

T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા 17 વર્ષ બાદ ચેમ્પિયન બની હતી. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આજે T20 વર્લ્ડકપમાં જીત બાદ સૌપ્રથમ વખત વતન વડોદરામાં આવ્યો હતો. ત્યારે આજે એટલે કે 15 જુલાઈ 2024ના સોમવારે વડોદરામાં હાર્દિક પંડ્યાનો રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ જોડાયો હતો. હાર્દિકના આ રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

હાર્દિક પંડ્યાના ભવ્ય સ્વાગત માટે વડોદરાના ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાની ટીશર્ટ પહેરી હાર્દિક પંડ્યા પોતાના વડોદરાના નિવાસ્થાને થી જાતે ગાડી ચલાવીને રેલી માટે માંડવી પહોંચ્યા હતા. જ્યાં હાર્દિક પંડ્યાએ ખુલ્લી બસમાંથી ફેન્સનું અભિવાદન ઝીલ્યું. એટલું જ નહિ હાર્દિક પંડ્યાએ ક્રિકેટ પ્રેમીને ઓટોગ્રાફ વાળો ક્રિકેટ બોલ પણ આપ્યો.

હાર્દિક પંડ્યાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ખુલ્લી બસમાં હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને માતા નલિની પંડ્યાએ લોકોનું અભિવાદન જીલ્યું હતું. આ રોડ શોનું આયોજન ટીમ રિવોલ્યુશન માટે કરવમાં આવ્યું હતું.

હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી
હાર્દિક પંડ્યાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વિકટરી રોડ શોનો વીડિયો પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં ઓલ ઈઝ માઈ હાર્ટ લખ્યું છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યાને એક ઝલક જોવા માટે ભારે ભીડ ઉમટી છે. હાર્દિક પંડ્યાનું મુળ વતન વડોદરામાં T20 વર્લ્ડકપમાં જીત બાદ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

https://www.instagram.com/reel/C9cgPuZNj63/?utm_source=ig_embed&ig_rid=f14be7c7-bf9e-4950-bdcc-519a99533d5e

પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે માંડવી ખાતેથી સાંજે 6:30 કલાકે રોડ શો શરુ કરવામાં આવ્યો હતો. આ રોડ શો લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર ત્યારબાદ ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તા, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ અકોટા નવલખી મેદાન ખાતે સંપન્ન થશે. આ રોડ શો દરમિયાન 7 DCP, 14 ACP, 50 PI, 86 PIS, 1700 જવાન, 1 હજાર હોમગાર્ડ અને 3 SRPની ટુકડી તેમજ શહેર બહારથી 3 SRPની ટુકડી, 1 SP, 7 ACP, 5 PI અને 5 PSI કક્ષાના અધિકારી તૈનાત જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યાની સુરક્ષા માટે 50 બાઉન્સર અને ગણેશ મંડળોના 1 હજારથી વધુ સ્વયંસેવકો ઉપસ્થિત છે. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરો અને રાજકીય આગેવાનોને પણ આમંત્રણ અપાયું છે.

વડોદરામાં પોલીસે રોડ શોને લઈને એક દિવસ પહેલા જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જેમાં કેટલા રસ્તાઓ બંધ રહેશે તેના વિશે જાણકારી આપી હતી. રોડ શો દરમિયાન બંદોબસ્તમાં જોડાયેલા વાહનો, અમ્બ્યુલન્સ , ફાયર બ્રિગેડ ઈમરજન્સીમાં જતા વાહનોને મુક્તિ આપવામાં આવી હતી.

T20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઈનલમાં જ્યારે સાઉથ આફ્રિકાને જીત માટે 24 બોલમાં 26 રનની જરૂર હતી. હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલર ક્રિઝ પર હતા. આવિ સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્માએ 17મી ઓવર હાર્દિક પંડ્યાને સોંપી હતી. આ ઓવરમાં પહેલા જ બોલ પર હેનરિક ક્લાસેનને પેવેલિયનનો રસ્તો બતાવીને ભારતને મેચમાં વાપસી કરાવી હતી. અંતિમ ઓવરમાં સાઉથ આફ્રિકાને 16 રનની જરૂર હતી અને હાર્દિક પંડ્યાએ ડેવિડ મિલરની વિકેટ લઈને જીત સુનિશ્ચિત કરી હતી.