ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું, સિરીઝ પોતાના નામે કરી, ગિલ-જયસ્વાલની તોફાની બેટિંગ

india-zimbabve

યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન અને શુભમન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા

ભારતે T-20 સિરીઝની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચ આવતીકાલે એટલે કે 14 જુલાઈએ રમાશે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની T20 શ્રેણીની ચોથી મેચ આજે ઝિમ્બાબ્વેના હરારેમાં રમાઈ હતી. ભારતે ઝિમ્બાબ્વે સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ તોફાની પ્રદર્શન કરતા આ મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું છે.

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તેના માટે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી ઓપનરો વચ્ચે 156 રનની અણનમ ભાગીદારી થઈ હતી. યશસ્વી જયસ્વાલે 53 બોલમાં અણનમ 93 રન અને શુભમન ગિલે 39 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ રીતે ભારતે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

આ મેચમાં ઓપનિંગ ભાગીદારીએ બીજા બેટર્સનો વારો જ નહોતો આવવા દીધો. હવે ટી-20 ક્રિકેટમાં ઓપનર તરીકે આ બંને ખેલાડીઓ લગભગ પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે એવું કહી શકાય. બીજી મેચમાં સદી ફટકારનાર અભિષેક શર્માને વન ડાઉન અજમાવવામાં આવે તેવી શક્યતા પણ છે. અગાઉ શુભમન ગિલ અને અભિષેક શર્મા શ્રેણીની પ્રથમ બે T20 મેચમાં ઓપનર તરીકે રમ્યા હતા. પરંતુ યશસ્વી જયસ્વાલની વાપસી સાથે અભિષેક શર્મા ત્રીજી T20માં ત્રીજા નંબરે ધકેલાઈ ગયો હતો. ત્રીજી મેચમાં ગિલ અને યશસ્વીએ પાવરપ્લેમાં ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. તો બીજી તરફ ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં સ્થાન મજબૂત કરવા માટે હજુ રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે.