25 જૂન 1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદી હતી.
કેન્દ્ર સરકારે 25 જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડ્યું છે. 25 જૂન 1975ના રોજ ઈન્દિરા ગાંધી સરકારે દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી. હવે મોદી સરકારે આ દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે જાહેર કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે 12 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.
અમિત શાહે માહિતી આપતા પોસ્ટમાં લખ્યું કે, ’25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો.’ ભારત સરકાર દર વર્ષે જૂન 1975ની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરવા માટે ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એવા લાખો લોકોના સંઘર્ષનું સન્માન કરવાનો છે જેઓ સરમુખત્યારશાહી સરકારના અસંખ્ય ત્રાસ અને જુલમનો સામનો કરવા છતાં લોકશાહીને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો. સંવિધાન હત્યા દિવસ દરેક ભારતીયની અંદર લોકતંત્રની રક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતિને જીવિત રાખવાનું કામ કરશે. જેથી કોંગ્રેસ જેવી કોઇ પણ તાનાશાહી માનસિકતા ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ન કરી શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે કહ્યું કે, ’25મી જૂને #સંવિધાનહત્યાદિવસ દેશવાસીઓને યાદ અપાવશે કે બંધારણને કચડી નાખ્યા પછી દેશને કેવા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. આ દિવસ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે જેમણે કટોકટી દરમિયાન ખૂબ જ સહન કર્યું હતું. કોંગ્રેસના આ દમનકારી પગલાને દેશ ભારતીય ઈતિહાસના કાળા અધ્યાય તરીકે હંમેશા યાદ રાખશે.’
આ રીતે 25 જૂન, 1975ના રોજ ઈમર્જન્સી લાગુ કરવામાં આવી હતી
25 જૂન, 1975ના રોજ દેશમાં 21 મહિના માટે ઈમર્જન્સી લાગુ કરવામાં આવી હતી. તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ઈમર્જન્સી ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પછી ઈન્દિરા ગાંધીએ રેડિયોથી ઈમર્જન્સીની જાહેરાત કરી હતી.
કટોકટીનાં મૂળિયાં 1971ની લોકસભા ચૂંટણીમાં હતા, જ્યારે ઈન્દિરા ગાંધીએ રાયબરેલી બેઠક પર સંયુક્ત સમાજવાદી પાર્ટીના રાજનારાયણને એક લાખથી વધુ મતોથી હરાવ્યા હતા, પરંતુ રાજનારાયણ ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને અલાહાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. 12 જૂન, 1975ના રોજ હાઈકોર્ટે ઈન્દિરાની ચૂંટણી રદ કરી હતી અને તેમના પર 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા હતા. તેઓ 23 જૂન 1975ના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યાં હતાં. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમર્જન્સી જાહેર કરી હતી.
બીજી તરફ કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ નિર્ણયને વધુ એક હેડલાઈન બનાવવાની કવાયત ગણાવી છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું, ‘આ બાયોલોજિકલ વડાપ્રધાનની બીજી હેડલાઇન બનાવવાની કવાયત છે, જેમણે દસ વર્ષ માટે અઘોષિત કટોકટી લાદી હતી. ત્યારબાદ ભારતના લોકોએ તેમને 4 જૂન, 2024ના રોજ નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારનો સામનો કરવો પડ્યો. જે ઈતિહાસમાં મોદી મુક્તિ દિવસ તરીકે નોંધાશે.’ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે કહ્યું હતું કે આ વખતે જનતાએ દેશને બીજી કટોકટીમાંથી બચાવવા માટે વોટ આપ્યા છે. આપણા બંધારણે જ લોકોને બીજી કટોકટી આવવાથી રોકવા માટે યાદ અપાવ્યું છે.
આ વર્ષે 25 જૂને ઈમર્જન્સીની 49મી વર્ષગાંઠ હતી તેના એક દિવસ પહેલાં 24 જૂને 18મી લોકસભાના પ્રથમ સત્રમાં વિપક્ષી સાંસદોએ બંધારણની નકલ સાથે શપથ લીધા હતા. વડાપ્રધાને આ અંગે કોંગ્રેસની ટીકા કરતા X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે જેમણે ઈમર્જન્સી લાદી છે તેમને બંધારણ પ્રત્યે પ્રેમ દર્શાવવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે જે માનસિકતાના કારણે ઈમર્જન્સી લાદવામાં આવી હતી એ આ પાર્ટીમાં હજુ પણ જીવંત છે.
સંસદનું સત્ર શરૂ થવાના અડધા કલાક પહેલાં (24 જૂનથી 3 જુલાઈ) વડાપ્રધાન મોદીએ ઈમર્જન્સીનો ઉલ્લેખ કર્યો હતો. ’25મી જૂન એ ભૂલી ન શકાય એવો દિવસ છે. આ દિવસે બંધારણનો સંપૂર્ણ અસ્વીકાર કરવામાં આવ્યો હતો. ભારતને જેલમાં ફેરવવામાં આવ્યું હતું. લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી.’
તેમણે કહ્યું હતું કે ‘ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરતી વખતે દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે ભારતમાં જે-તે સમયે કરવામાં આવ્યું હતું એવું કંઈ કરવાની હિંમત ફરી કોઈ નહીં કરે. ભારતની નવી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં કે કટોકટી દરમિયાન બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું.’
કટોકટી ક્યારે અને કેવી રીતે લાદવામાં આવે છે?
ભારતના બંધારણની કલમ 352 હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત 1962, 1971 અને 1975માં કલમ 352 હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.