જેમ્‍સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી વિદાય, બંને ટીમના ખેલાડીઓએ “ગાર્ડ ઓફ ઓનર” આપ્યું

jimmy-anderson

ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને 703 વિકેટ લીધા બાદ નિવૃત્તિ લીધી

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં 700 વિકેટ લેનાર એકમાત્ર ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને જીત સાથે કાયમ માટે ક્રિકેટના મેદાન પરથી વિદાય લઈ લીધી છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ઈંગ્‍લેન્ડ અને વેસ્‍ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને એક દાવ અને 114 રનથી હરાવ્યું હતું. આ મેચ શરુ થાય તે પહેલા બંને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનના કરિયરની આ છેલ્લી ટેસ્ટ મેચ હતી. ઇંગ્લેન્ડે તેના સ્ટાર ફાસ્ટ બોલરના રિટાયરમેન્ટને યાદગાર બનાવ્યું હતું. તેની છેલ્લી મેચને ખાસ બનાવતા ત્રીજા દિવસે એન્ડરસન મેદાન પર આવે તે પહેલા બંને ટીમના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. આ દરમિયાન તે એકદમ ભાવુક દેખાઈ રહ્યો હતો. એન્ડરસનનો પરિવાર પણ આ સમયે મેદાનમાં હાજર હતો. એટલું જ નહીં મેદાન પર હાજર દર્શકોએ પણ એન્ડરસન માટે તાળીઓ વગાડી. ઈંગ્લેન્ડ ક્રિકેટે આ અંગેનો વીડિયો એક્સ પર શેર કર્યો છે. વીડિયો જોવા નીચે ફોટો ઉપર ક્લીક કરો.

જેમ્સ એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ફાસ્ટ બોલર છે. જેમ્સ એન્ડરસને 21 વર્ષ સુધી ક્રિકેટ રમીને, 188 મેચ બાદ પોતાની ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહી દીધું છે. એન્ડરસને મે 2003માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ લોર્ડસના મેદાન પર જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જેમ્સ એન્ડરસન એકમાત્ર એવો ફાસ્ટબોલર છે જેણે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં 704 વિકેટ લીધી હોય. 11/71 એક ટેસ્ટ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં જેમ્સ એન્ડરસન હવે ત્રીજા સ્થાને છે. એન્ડરસન ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો ફાસ્ટ બોલર છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મુથૈયા મુરલીધરન- 800 વિકેટ
શેન વોર્ન- 708 વિકેટ
જેમ્સ એન્ડરસન- 704 વિકેટ
અનિલ કુંબલે- 619 વિકેટ
સ્ટુઅર્ટ બ્રોડ- 604 વિકેટ