ખાસ લેખ: આજના સમયની માંગ, પ્રાકૃતિક ખેતીનાં વિશેષ પાસાંઓ, સિદ્ધાંતો અને આયામો જાણીએ

પ્રવર્તમાન ખેતીમાં રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે આરોગ્ય, પર્યાવરણ અને જમીનના સ્વાસ્થ્ય સામે ખતરો ઊભો થયો છે. આથી ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ અને આરોગ્ય, પર્યાવરણની રક્ષા કરીએ તે આજના સમયની માગ છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્યમાં અનેક ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે આજે આપણે વાત કરીશું પ્રાકૃતિક ખેતીનાં વિશેષ પાસાંઓ, સિદ્ધાંતો અને મુખ્ય આયામો વિશે. આચાર્ય દેવવ્રતજીએ પોતાના પુસ્તકમાં આ અંગે વિસ્તૃત છણાવટ કરેલી છે.

સૌપ્રથમ તો જમીન અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન કર્યા વગર પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત ખેતીને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ગાયનું વિશેષ મહત્ત્વ છે.

પ્રાકૃતિક ખેતીનાં વિશેષ પાસાંઓ:-

  • ~ આ પદ્ધતિ કુદરત, વિજ્ઞાન, અધ્યાત્મ તેમજ અહિંસા પર આધારિત શાશ્વત કૃષિ પદ્ધતિ છે.
  • ~ આ પદ્ધતિમાં તમારે રાસાયણિક ખાતર, છાણીયું ખાતર, જૈવિક ખાતર, અળસિયાનું ખાતર, તેમજ ઝેરી કિટનાશક, રસાયણિક નીંદણનાશક દવાઓ, રસાયણિક ફુગનાશક દવાઓ નાખવામાં આવતી નથી. ફકત એક દેશી ગાયની મદદથી તમે આ કૃષિ કરી શકાય છે.
  • ~ આ પદ્ધતિમાં પાણી અને વીજળીની બચત થાય છે.
  • ~ પાક ઉત્પાદન ઝેરમુકત, ઊંચી ગુણવત્તાયુક્ત, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.
  • ~ પ્રાકૃતિક ખેતીથી કુદરતી સંસાધનોની શાશ્વતતા વધે છે.
  • ~ જળનો જમીનમાં સંચય થાય છે અને ભેજ સંગ્રહશક્તિ વધે છે.
  • ~ જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ વધવાથી સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાની સંખ્યા વધે છે, પરિણામે જમીન જીવંત, પોચી અને ભરભરી બને છે. જમીનની તંદુરસ્તી સુધરવાથી પાકનો વિકાસ સારો થાય છે.

પ્રાકૃતિક ખેતીનાં આ વિશેષ પાસાંઓ છે.

પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો :-

  • ~ આ ખેતીના કેન્દ્ર સ્થાને જમીન અને તેની ફળદ્રુપતા છે. છોડ નહીં પણ જમીનના આરોગ્યને મજબૂત બનાવવું.
  • ~ જીવામૃત, બીજામૃત ખેતર પર જ તૈયાર કરી ઉપયોગ કરવો.
  • ~ જમીન પર આચ્છાદન કરવું.
  • ~ મિશ્ર/આંતર પાક પદ્ધતિ અપનાવવી.
  • ~ જમીનમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધારવી.
  • ~ પરભક્ષી, પરોપજીવી, ઉપયોગી જીવજંતુની જાળવણી કરવી.
  • ~ દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવો.
  • ~ પર્યાવરણનું જતન અને જમીનનું રક્ષણ કરવું.

આ બધા સિદ્ધાંતોને ધ્યાને રાખીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો :-

  • ~ જીવામૃત
  • ~ બીજામૃત
  • ~ ઘનજીવામૃત
  • ~ આચ્છાદન – મલ્ચિંગ
  • ~ મિશ્ર/આંતર પાક
  • ~ જમીનમાં વાપસા પરિસ્થિતિ