અંકલેશ્વરમાં 10 જગ્યા માટે યોજેલા ઑપન ઈન્ટર્વ્યૂમાં હજારો યુવાઓ પહોંચ્યા, ભીડ બેકાબુ બનતા સ્ટીલની રેલિંગ તૂટતા લોકો એકબીજા પર પડ્યા

Bharuch

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી એક લોર્ડ્સ પ્લાઝા હોટલમાં ઝઘડિયાની GIDC સ્થિત થર્મેક્સ કંપની દ્વારા 10 જગ્યાની ભરતી માટે ઓપન ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઑપન ઈન્ટર્વ્યૂમાં હજારોની સંખ્યામાં નોકરીવાંચ્છુક યુવક-યુવતિઓ ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ભીડ વધી જતા હોટલની રેલિંગ પણ તૂટી ગઈ હતી, જેના કારણે કેટલાય યુવક-યુવતિઓ નીચે પટકાયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. એ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, ઝઘડિયા GIDCમાં આવેલી થર્મેક્સ કંપની દ્વારા 10 જગ્યાની ભરતી માટે અંકલેશ્વર સ્થિત લોર્ડ્સ પ્લાઝા હોટલમાં એક ઓપન ઈન્ટર્વ્યુનું આયોજન કરવામાં આવ્યું હતુ. જો કે 10 જગ્યા પર ભરતી માટે હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે હોટલમાં પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડતાં થયેલ ભીડને કારણે સ્થિતિ વિકટ બનતા હોટલમાં રહેલી સ્ટીલની રેલિંગ પણ તૂટી ગઈ હતી. જેથી કેટલાક ઉમેદવારો એકબીજા પર પટકાયા હતા. જો કે સદ્દનસીબે મોટી દુર્ઘટના સર્જાઈ નહતી.

આ બાબત ધ્યાને આવતા સામાજિક કાર્યકર યોગી પટેલે વહીવટી તંત્ર તેમજ કંપનીના જવાબદાર અધિકારીઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા એ પ્રશ્ન પણ ઉદભવી રહ્યો છે.