રીક્ષામાં જઈ રહેલા આંગડિયા પીઢીના બે કર્મચારીઓની આંખમાં લૂંટારાઓએ મરચું નાખ્યું અને એરગનથી ફાયરિંગ કર્યું
અમદાવાદમાં આજે ધોળા દિવસે આંગડિયા પેઢી કર્મચારીને ફિલ્મી સ્ટાઈલથી લૂંટી લેવાની ઘટના બની છે. શહેરના એલિસબ્રિજ જિમખાના પાસે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 65 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. લૂંટારુઓએ રિક્ષામાં જઈ રહેલા આંગડીયા કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખીને લૂંટી લીધા છે.
મળતી માહિતી અનુસાર આંગડિયા પેઢીના બે કર્મચારી જમાલપુર એપીએમસીથી 65 લાખ રૂપિયા રિક્ષામાં લઈને ઇસ્કોન આર્કેડ, સીજી રોડ પોતાની આંગડિયા પેઢી તરફ જઈ રહ્યા હતા, ત્યારે જલારામ મંદિરથી આગળ જિમખાનાની સામે બાઈક પર બે શખસ છરી અને એરગન લઈને આવી ગયા હતા. ત્યારબાદ લૂંટારુઓએ રીક્ષા ઉભી રખાવીને કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને 65 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
અન્ય મળતી વિગતો મુજબ લૂંટારાઓએ લૂંટને અંજામ આપવા માટે છરીથી હુમલો પણ કર્યો હતો અને એરગનથી ફાયરિંગ પણ કર્યું હતું. હાલ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.