જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી કિડનીનાં બદલામાં 4 થી 5 લાખ રૂપિયા આપતા હતા, અને 25-30 લાખ રૂપિયામાં વેચતા હતા, 7 લોકોની ધરપકડ કરવામાં આવી, નકલી દસ્તાવેજ પણ મળી આવ્યા
દેશની રાજધાની દિલ્હીમાં આજે ઇન્ટરનેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસે આ કેસમાં એક પ્રતિષ્ઠિત હોસ્પિટલની મહિલા ડોક્ટર સહિત 7 લોકોની ધરપકડ કરી છે. આ રેકેટમાં સામેલ લોકોનું બાંગ્લાદેશ સાથે કનેક્શન હોવાનું પણ સામે આવ્યુ છે. તેઓ બાંગ્લાદેશથી ડોનર અને રિસીવર્સ લાવતા હતા. આરોપીઓ 2019 થી આ રેકેટ ચલાવી રહ્યા હતા અને 2021 થી 2023 ની વચ્ચે લગભગ 15 ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા.
અગાઉ રાજસ્થાન પોલીસે બાંગ્લાદેશના આ રેકેટ અંગે મહત્વના ખુલાસા કર્યા હતા. આ પછી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ આ કેસની તપાસમાં લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અમિત ગોયલે જણાવ્યું કે આ રેકેટનો માસ્ટર માઈન્ડ બાંગ્લાદેશી છે. અમે ડોનર અને રિસીવરની પણ ધરપકડ કરી છે. આ રેકેટમાં સામેલ રસેલ નામનો વ્યક્તિ દર્દીઓ અને ડોનર્સની વ્યવસ્થા કરતો હતો. તે દરેક ટ્રાન્સપ્લાન્ટ માટે 25-30 લાખ રૂપિયા લેતો હતો. આ રેકેટ 2019થી ચાલતું હતું. પરંતુ આખરે હવે રેકેટનો પર્દાફાશ થયો છે.
https://x.com/ANI/status/1810537070215012533
ધરપકડ કરાયેલ આરોપી મહિલા ડૉક્ટરની ઓળખ 50 વર્ષીય ડૉ. વિજયા કુમારી તરીકે થઈ છે. તે છેલ્લા 15 વર્ષથી ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર તરીકે જોડાયેલા હતા. તે ટોળકીમાં એકમાત્ર ડૉક્ટર હતી જે નોઈડાની ખાનગી હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવતી હતી. આ મામલો સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી હતી..
માહિતી અનુસાર આ ટોળકીમાં સામેલ લોકો બાંગ્લાદેશના જરૂરિયાતમંદ લોકોને લાલચ આપી તેમની કિડની વેચવા માટે સમજાવતા હતા. ત્યારબાદ તેઓ અલ શિફા નામની મેડિકલ ટુરિઝમ કંપની દ્વારા નકલી દસ્તાવેજો પર તેને દિલ્હી બોલાવતા હતા. અહીં તેમને કિડનીનાં બદલામાં 4 થી 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. એ જ કિડની તેઓ 25 થી 30 લાખ રૂપિયામાં વેચતા હતા. જેમને કિડની વેચવામાં આવી હતી તેઓ પણ બાંગ્લાદેશના નાગરિક હતા.
પીડિતાએ પોતાનું નિવેદન નોંધ્યું અને આ માહિતી ક્રાઈમ બ્રાન્ચને આપી. આ ગેંગમાં રસેલ, મોહમ્મદ સુમન મિયાં, ઇફ્તી, રતિશ પાલ નામના લોકો હતા, જેમાંથી ઇફ્તી સિવાય બાકીના લોકોની ધરપકડ કરવામાં આવી છે.
https://x.com/ANI/status/1810539829890879787
દિલ્હીમાં ત્રણ મહિના પહેલા બાળકોની ખરીદી અને વેચાણ કરતી ગેંગ ઝડપાઈ હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 5 એપ્રિલે દિલ્હી અને હરિયાણામાં 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન દિલ્હીના કેશવપુરમમાં એક ઘરમાંથી ત્રણ નવજાત શિશુ મળી આવ્યા હતા. સીબીઆઈએ હોસ્પિટલના વોર્ડ બોય સહિત 7 લોકોની ધરપકડ પણ કરી હતી. જેમાં 5 મહિલાઓનો સમાવેશ થાય છે.
ધરપકડ કરાયેલા લોકોની ઓળખ દિલ્હીના પશ્ચિમ વિહારના ઈન્દુ પવાર, પટેલ નગરના અસલમ, કન્હૈયા નગરની પૂજા કશ્યપ, માલવિયા નગરની અંજલિ, કવિતા અને રિતુ અને હરિયાણાના સોનીપતના નીરજ તરીકે થઈ છે.
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ તેમના વાસ્તવિક માતા-પિતા અથવા સરોગેટ માતા પાસેથી બાળકોને ખરીદતા હતા. પછી તેઓ ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા બાળકો દત્તક લેવા માંગતા નિઃસંતાન દંપતીઓનો સંપર્ક કરતા હતા. એક બાળકની કિંમત 4 થી 6 લાખ રૂપિયા હતી. આ લોકોએ બાળક દત્તક લેવાના બનાવટી દસ્તાવેજો બનાવીને અનેક યુગલોને લાખો રૂપિયાની છેતરપિંડી પણ કરી છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર માત્ર માર્ચ મહિનામાં જ લગભગ 10 બાળકોનું વેચાણ થયું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન 5.5 લાખ રૂપિયા રોકડા અને ઘણા દસ્તાવેજો સહિત વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.