કાર ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ સાથે ધડાકાભેર અથડાઈ, CCTV ફૂટેજ પણ સામે આવ્યા
સુરતના કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઈકો વાન પલટી ખાઈ ગઈ હતી. સ્કૂલ-વાનમાં કુલ 9 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 6 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.
આજે વહેલી સવારે 7.38 વાગ્યા આસપાસ સુરતના ઓલપાડ તાલુકાના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર મૂળદ ગામના પાટિયા પાસે વિદ્યાર્થીઓ ભરેલી ઈકો વાન જઈ રહી હતી. એ દરમિયાન સામેથી અન્ય ખાનગી સ્કૂલ-બસ આવતાં ઇકો વાનચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી. ઇકો કારમાં કુલ 9 વિદ્યાર્થી હતા. આ નવ પૈકી 6 વિદ્યાર્થીઓને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે કીમ પોલીસ દોડતી થઇ ગઇ હતી. હોસ્પિટલ ખાતે જઈને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓ અને વાલીઓનાં નિવેદન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર પલ્ટી જવાના CCTV ફૂટેજ આવ્યા હતા.કીમ પોલીસ એ CCTV ફૂટેજ આધારે તપાસ હાથધરી છે. સ્કૂલ-વાન ચાલક બંટી શર્માની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર બનાવમાં સ્કૂલ-વાનમાં અધિકૃત કરવામાં આવેલાં બાળકો કરતાં વધારે બાળકો બેઠાં હતાં એની પણ કલમ લગાડવામાં આવી છે.
ઘટના અંગે DYSP આર.આ સરવૈયાએ જણાવ્યું હતું કે આજ સવારે વી કેર સ્કૂલનાં 9 બાળકને લઈને કાર ચાલક (બંટી) ઈકો ગાડી લઈને જઈ રહ્યો હતો. એ દરમિયાન હાઈવે પર મૂળદ ગામ પાસે એક બસ ટર્ન લઈ રહી હતી. ત્યારે ઈકો ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી બસની પાછળના ભાગે અથડાવી હતી. જેના કારણે આ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને રોડ સાઈડમાં ખાડામાં પડી હતી, જેથી આજુબાજુના લોકોએ ભેગા થઈ આ બાળકોને બહાર કાઢ્યાં હતાં.
DySPએ વિદ્યાર્થીઓનાં વાલીઓને અપીલ કરી છે કે પોતાનાં બાળકો જે સ્કૂલ-વાનમાં જતાં હોય છે એમાં ક્ષમતા કરતાં વધારે બાળકો ન હોય એનું વાલીઓ ધ્યાન રાખે. અગાઉ પણ બધી સ્કૂલોને અમે આ અંગે જણાવ્યું છે કે તમારી સ્કૂલમાં આવતાં બાળકોની પૂરતી કાળજી લેવામાં આવે. ડ્રાઈવરોની ચારિત્રનું પ્રમાણપત્ર રાખવામાં આવે. RTO અને કાયદાના જે નિયોમો છે એનું પાલન કરવામાં આવે, જેના કારણે આ પ્રકારના જે બનાવો છે એને અટકાવી શકાય. પોલીસ પણ આ બાબતે તકેદારી રાખી નિયમ ભંગ કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરશે.
અકસ્માત બાબતે વી કેર સ્કૂલનાં પ્રિન્સિપાલ પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે અમને ફોન દ્વારા જાણ થઈ હતી કે અમારી સ્કૂલના પ્રાઈવેટ ઈકો વાહનનો અકસ્માત થયો છે. અમે 15 મિનિટ બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. બાળકોને સામાન્ય ઈજાઓ થયેલી હતી. અમે પ્રાઈવેટ વ્હીકલવાળા સાથે મિટિંગ કરી અને જે જરૂરી નિયમોનું પાલન કર્યું હતું ,પણ આકસ્મિક રીતે જ આ બનાવ બન્યો હતો.