રાજ્યમાં 8 થી 11 જૂલાઈ દરમિયાન ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલે આગાહી કરી
મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસની જેમ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામશે, એવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈથી 14 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ ચોમાસાની ગતિ ધીરી પડી છે. હાલ મધ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં 8 અને 9 જુલાઈએ ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની પૂરી સંભાવના છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 8 થી 11 જૂલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હવે અષાઢ સુદ ચોથ પાંચમથી વરસાદની માત્રા વધશે અને વરસાદ પડવાની શક્યતા છે. આગામી તારીખ 9,10 અને 11ના વરસાદ પડી ગયા બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થશે. તેમના જણાવ્યા મુજબ ચીનમાંથી આવતા અવશેષોના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. જેની અસરના ભાગરૂપે જ્યારે 17 થી 24 જૂલાઈ વચ્ચે ફરીથી વરસાદ પડવાની શક્યતા છે.