ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ, રવિવારે નીકળશે રથયાત્રા, વડાપ્રધાન મોદીએ મોકલ્યો પ્રસાદ

jagannathMandir

“જય રણછોડ”ના નાદથી જગન્નાથ મંદિર ગુંજી ઉઠ્યું, સોનાવેશમાં ભક્તોને આપ્યા દર્શન
છેલ્લા 11 વર્ષથી વડાપ્રધાન મોદી જગન્નાથ મંદિરે મોકલે છે પ્રસાદ

અમદાવાદની રથયાત્રામાં 24,000 સુરક્ષાકર્મી રહેશે તહેનાત , અત્યાધુનિક ટેકનોલોજીથી પોલીસની ચાંપતી નજર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા રવિવારે (7 જુલાઈ) નીકળવાની છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને સજ્જડ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, શ્રદ્ધાળુઓમાં પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ 147મી રથયાત્રા માટે પ્રસાદ આવ્યો છે.

દર વર્ષેની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. વડાપ્રધાને દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી અને મીઠાઈનો પ્રસાદ મોકલ્યો છે. છેલ્લા 11 વર્ષથી દર વર્ષે વડાપ્રધાન રથયાત્રામાં પ્રસાદી મોકલે છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા તે સમયથી જગન્નાથ મંદિરમાં પ્રસાદી મોકલે છે.

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે. તો બીજી તરફ જગન્નાથજીની રથયાત્રા સાથે જોડાયેલા ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા છે. આજે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરશે. મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના આ રૂપના દર્શન કરવા માટે ઉમટશે.ગુજરાત રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વિવિધ ભાગોમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લાં ચાર દિવસથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

સમગ્ર અમદાવાદ અત્યારથી જગન્નાથમય બની ગયું છે. રથયાત્રાના રૂટ પર લોંખડી પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો રથયાત્રાને લઈને જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીના મંદિરે દર્શનાર્થે આવી રહ્યો છે, મંદિરમાં પરિસરમાં સતત ભજન-કિર્તન ચાલી રહ્યાં છે. જગન્નાથ મંદિર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. આજે ભગવાન જગન્નાથે સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા હતા. વર્ષમાં એક જ વાર ભગવાન સોનાવેશ ધારણ કરે છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ પોલીસે રૂટિન વ્યવસ્થાની સાથે અત્યાર સુધીનો સૌથી હાઇટેક બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં સીસીટીવી સર્વેઈલન્સની સાથે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, ફેસ રેક્ગનિશન સિસ્ટમ, ભીડમાં લોકોની સંખ્યાની ગણવા અને શંકાસ્પદ પ્રવૃતિ પર નજર રાખવા માટેની વીડિયો સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી રથયાત્રામાં તમામ બાબતો પણ ઝીણવટભરી નજર રાખી શકાશે.

હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા કરાઈ હતી. રથયાત્રા દરમિયાન ગજરાજો ભગવાનની પાલખીની આગેવાની કરશે, ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે.

રથયાત્રાના રૂટની માહિતીઃ

  • સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ.
  • 9 વાગે મ્યુ. કોર્પોરેશન
  • 9.45 વાગે રાયપુર ચકલા
  • 10.30 વાગે ખાડીયા ચાર રસ્તા
  • 11.15 કાલુપુર સર્કલ
  • 12 વાગે સરસપુર
  • 1.30 સરસપુરથી પરત
  • 2 કાલુપુર સર્કલ
  • 2.30 પ્રેમ દરવાજા
  • 3.15 દિલ્હી ચકલા
  • 3.45 શાહપુર દરવાજા
  • 4.30 આર.સી.હાઇસ્કુલ
  • 5 વાગે ઘી કાંટા
  • 5.45 વાગે પાનકોર નાકા
  • 6.30 માણેકચોક
  • 8.30 વાગે નિજ મંદિર પરત