નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ મોદી સરકાર 3.0નું બજેટ રજૂ કરશે

NirmalaSitharaman

સંસદનું બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ વચ્ચે યોજાશે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ટ્વીટ કરીને માહિતી આપી
નિર્મલા સીતારમણ સાતમી વખત કેન્દ્રિય બજેટ રજૂ કરી અનોખો રેકોર્ડ પોતાના નામે કરશે

નાણાકીય વર્ષ 2024-25 માટેનું કેન્દ્રિય બજેટ 2024 રજૂ કરવાની તારીખો પણ જાહેર થઇ ગઇ છે. મોદી સરકાર 3.0નું પહેલું બજેટ 23 જુલાઈએ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. બજેટસત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ X પર આ અંગેની માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ભલામણ પર ભારતના માનનિય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ સત્ર, 2024 માટે સંસદના બંને ગૃહોને 22 જુલાઇથી 12 ઓગસ્ટ સુધી બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

આ વર્ષે ચૂંટણીના કારણે બે વખત બજેટ રજૂ થઈ રહ્યું છે. એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી સરકારે 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ છઠ્ઠું બજેટ હતું, જેમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા, એટલે કે ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ વખતનાં બજેટની સાથે જ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે કરશે. સતત સાત કેન્દ્રીય બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ અગાઉ મોરારજી દેસાઇના નામે હતો, તેમણે 6 વખત બજેટ રજૂ કર્યું હતું.

કેન્દ્રિય બજેટ 2024ની તારીખો જાહેર થવાની સાથે અટકળો ચાલી રહી છે કે, નાણા મંત્રી મોદી સરકાર 3.0 અંતર્ગત કરદાતાઓ માટે અમુક લાભોની જાહેરાત કરી શકે છે. એક મીડિયા એજન્સીએ બે સરકારી અધિકારીઓનો હવાલો આપી જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર કેન્દ્રિય બજેટમાં ગ્રામીણ આવાસ માટે રાજ્યની સબ્સિડી વધારવા અંગે વિચારી રહી છે.

બજેટથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે કારણ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના સંયુક્ત સંબોધનમાં કહ્યું હતું કે આ વખતે ઘણા ઐતિહાસિક પગલાં જોવા મળશે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઝડપી સુધારાની પણ વાત કરી હતી.

બજેટના મુખ્ય મુદ્દાઓઃ

સંરક્ષણખર્ચ માટે 6.2 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ માત્ર રૂ. 0.27 લાખ કરોડ એટલે કે ગયા વર્ષ કરતાં 3.4% વધુ છે, જોકે વચગાળાના બજેટમાં સૌથી મોટો હિસ્સો સંરક્ષણનો છે. એને કુલ બજેટના 8% મળ્યા છે. સરકાર ડીપ-ટેક ટેક્નોલોજીને મજબૂત કરશે, જેથી દેશ શસ્ત્રો માટે આત્મનિર્ભર બને.

મેટ્રો અને નમો ભારત જેવા પ્રોજેક્ટનું વિસ્તરણ કરવામાં આવશે. રેલવે ફ્રેટ કોરિડોર ઉપરાંત દેશમાં વધુ 3 રેલવે કોરિડોર બનાવવામાં આવશે. આ ઉપરાંત 40 હજાર રેલ કોચ વંદે ભારત સ્ટાન્ડર્ડનું બનાવવામાં આવશે.

કોલસામાંથી ગેસ બનાવવાની ક્ષમતા 2030 સુધીમાં વધારીને 100 મેટ્રિક ટન કરવામાં આવશે, જેથી કુદરતી ગેસ, મિથેનોલ અને એમોનિયાની આયાતનો ખર્ચ ઘટાડી શકાય.

આવકવેરામાં કોઈ રાહત મળી નથી. જૂની ટેક્સ વ્યવસ્થા હેઠળ માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની આવક જ કરમુક્ત રહેશે, જોકે કલમ 87A હેઠળ 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકાય છે.

નવી કર વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પહેલાંની જેમ જ કરમુક્ત છે. આમાં 87A હેઠળ પગારદાર વ્યક્તિ રૂ. 7.5 લાખ સુધીની આવક પર અને બાકીની રૂ. 7 લાખ સુધીની આવક પર છૂટ મેળવી શકે છે.

મહિલાઓ માટે અપેક્ષા કરતાં ઓછી જાહેરાતો થઈ હતી. 3 કરોડ મહિલાઓને કરોડપતિ બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. સર્વાઇકલ કેન્સરથી બચવા માટે 9-14 વર્ષની વયની છોકરીઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે.

તમામ આંગણવાડી, આશાવર્કર અને હેલ્પરને આયુષ્માન ભારત યોજનાના દાયરામાં લાવવામાં આવશે.