વિદ્યાર્થી જીવનનો સૌથી મોટો શત્રુ આળસ છે, વિદ્યાર્થીએ આળસથી દૂર રહેવુ જોઈએ: આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો.

  • પ્રાચીન સમયમાં આશ્રમ અને ગુરુકુળ શિક્ષણ પરંપરામાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બાળકમાં સંસ્કારોનું સિંચન કરીને તેનું ચારિત્ર્ય નિર્માણ કરવામાં આવતું હતું.

  • વિદ્યા અમૃતતત્વની પ્રાપ્તિ કરાવે છે તથા શરીર અને જીવનનો ઉદ્દેશ સાર્થક કરે છે.

  • યુવાઓને શિક્ષિત અને દીક્ષિત કરવાના પૂજ્ય બાપુના વિચારો અને તેમના જીવનમૂલ્યોને સાર્થક કરવાની દિશામાં ગુજરાત વિદ્યાપીઠ કામ કરી રહી છે.

ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગુરુપૂર્ણિમા સત્રનો દીક્ષારંભ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલએ 1 જુલાઈ, 2024ના રોજ શરૂ થયેલા ગુરુપૂર્ણિમા સત્રમાં 8 વિદ્યાશાખાના વિવિધ 18 વિષયોમાં કુલ 1146 વિદ્યાર્થીઓને દીક્ષારંભ કરાવ્યો હતો.

આ દીક્ષારંભ પ્રસંગે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાચીન સમયમાં દેશમાં આ કાર્યક્રમ ‘વિદ્યારંભ સંસ્કાર’ તરીકે ઓળખાતો હતો. આપણાં ઋષિમુનિઓએ જીવનને ઉન્નત બનાવવા અને આત્માના સંપૂર્ણ વિકાસ માટે કુલ 16 સંસ્કારોની કલ્પના કરી હતી, જેમાંનો એક સંસ્કાર ‘વિદ્યારંભ સંસ્કાર’ છે.

વિદ્યારંભ સમારંભ વિશે વધુમાં વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુરુ અને શિષ્ય બંનેના એકમેક પ્રત્યેના સમર્પણ ભાવ અને સહયોગ થકી જ વિદ્યા સાર્થક થાય છે. પ્રાચીન સમયમાં આશ્રમ અને ગુરુકુળ શિક્ષણ પરંપરામાં માતા-પિતા પોતાના બાળકને આશ્રમમાં મોકલતા હતા. આશ્રમ કે ગુરુકુળમાં ગુરુઓ બાળકના સંપૂર્ણ નિર્માણની જવાબદારી લેતા હતાં. બાળકને પોતાના ઘરની યાદ ન આવે તેવા ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં બાળકમાં સંસ્કારોનું સિંચન કરીને તેનું ચારિત્ર્ય નિર્માણ કરવામાં આવતું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.

આચાર્યની વિભાવના સમજાવતા રાજ્યપાલએ જણાવ્યું કે, આજે ગુરુઓ ‘અધ્યાપક’ કે ‘આચાર્ય’ તરીકે ઓળખાય છે. ‘આચાર્ય’ તેમને કહેવાય જેમનું આચરણ, મન, કર્મ, વચન અને જીવન તેમના શિષ્યો માટે આદર્શરુપ હોય. વિદ્યાર્થીઓ કે શિષ્યો પોતાના ગુરુમાંથી શીખે છે અને પોતાના ગુરુ જેવા બનવાનો પ્રયત્ન કરે છે. જેવી રીતે એક ગર્ભવતી માં પોતાના ગર્ભસ્થ શિશુની સારસંભાળ રાખે છે, તેવી જ રીતે એક આદર્શ ગુરુ પોતાના શિષ્યને કેળવે છે, સાચવે છે અને તેને એક મહાન વ્યક્તિત્વ પ્રદાન કરે છે. ગુરુજન વિશે આવી ઉદ્દાત કલ્પના ભારતીય સંસ્કૃતિ સિવાય બીજે ક્યાંય જોવા મળી શકે નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

વિદ્યા અને અવિદ્યા વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાચીન સમયમાં વેદ ઉપનિષદ આધારિત શિક્ષણ આપવામાં આવતું. જેમાં વિદ્યા અને અવિદ્યા બંને શીખવવામાં આવતી હતી. અવિદ્યા એટલે દુનિયામાં રહીને શરીર સુખપૂર્વક જીવી શકે એવા સાધનોનું ઉપાર્જન કરવું. અવિદ્યા ભૌતિક વિજ્ઞાન અને દુનિયાદારીનું શિક્ષણ પૂરું પાડે છે. અવિદ્યા પૈસા કમાવી આપતા હુનર શીખવે છે, જેનાથી યોગ્ય જીવનનિર્વાહ થઈ શકે છે.
જ્યારે વિદ્યા અમૃતતત્વની પ્રાપ્તિ કરાવે છે તથા શરીર અને જીવનનો ઉદ્દેશ સાર્થક કરે છે. ઋષિઓ તેમના શિષ્યોને વિદ્યા થકી એવું તત્વજ્ઞાન આપતા જે જીવનને ધર્મ, અર્થ, કામ કરતા કરતા મોક્ષની પ્રાપ્તિ કરાવતી. આત્મા દેખાતી નથી, પરંતુ શરીરના દેખાવાનું કારણ આત્મા જ છે. આત્માના આ તત્વોને જાણવાનું નામ જ વિદ્યા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વિદ્યાનું વહન કરનારા વિદ્યાર્થીએ તપસ્યા, પરિશ્રમ અને કર્મયોગ કરવો જોઈએ. તેનાથી જ બધું જ મેળવી શકાય છે. વિદ્યાર્થી જીવનનો સૌથી મોટો શત્રુ આળસ છે તેમ જણાવીને તેમણે વિદ્યાર્થીઓને આળસથી દૂર રહેવા જણાવ્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠ વિશે વાત કરતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારત દેશ ગુલામ હતો ત્યારે પૂજ્ય ગાંધીબાપુએ રાષ્ટ્રની આઝાદીમાં યુવાપેઢી યોગદાન આપે એ માટે તેમને તૈયાર કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. દેશનો યુવા સંસ્કારી, સભ્ય, શાલીન, રાષ્ટ્રભક્ત, હુનર અને શિક્ષણથી પરિપૂર્ણ બને એવા ઉમદા વિચાર સાથે તેમણે આ સંસ્થાનો આરંભ કરેલો. પૂજ્ય બાપુના યુવાઓને શિક્ષિત અને દીક્ષિત કરવાના વિચારો અને તેમના જીવન મૂલ્યોને સાર્થક કરવાની દિશામાં આ સંસ્થા કામ કરી રહી છે. આ એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાનની સાથોસાથ તેમનું ચારિત્ર્ય નિર્માણ અને જીવનનિર્માણ કરીને દેશની ભાવિ પેઢીને ભારત નિર્માણમાં સક્રિય યોગદાન આપવા તૈયાર કરે છે.
સાથે જ, રાજ્યપાલશ્રીએ વિદ્યાપીઠ પરિસર અને ભવનોની સાફ-સફાઈ, ઉત્સાહપૂર્ણ વાતાવરણ અને વિધિવત દીક્ષારંભ કાર્યક્રમના આયોજનને પણ બિરદાવ્યું હતું.

આ દીક્ષારંભ પ્રસંગે પદ્મવિભૂષણ શ્રી રાજશ્રી બિરલાજીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ‘સા વિદ્યા યા વિમુક્તયે’ જેનું આધારસુત્ર છે એવી આ સંસ્થાનો પ્રારંભ ગાંધીજીએ 1920માં અસહયોગ આંદોલન દરમિયાન દેશના યુવાઓના શિક્ષણ માટે કર્યો હતો. “ગામડાઓનો ઉદ્ધાર થશે તો જ દેશનો ઉદ્ધાર થશે”- ગાંધીજીના આ વિચારને પરિપૂર્ણ કરવાની દિશામાં ગુજરાત વિદ્યાપીઠ હંમેશા કામ કરતી રહી છે. બિરલા પરિવાર ત્રણ દાયકાથી ગાંધી વિચારો સાથે જોડાયેલો છે. ગુજરાત વિદ્યાપીઠ સમાજમાં શિક્ષણના માધ્યમથી ચારિત્ર નિર્માણનું કાર્ય કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સાથે જ, તેમણે ગ્રામોદ્યોગ, સામુદાયિક જીવન, સામૂહિક પ્રાર્થના, સાફ-સફાઈ, માતૃભાષામાં શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલીકરણ, આત્મનિર્ભરતા, ખાદી અને સૂતર, શ્રમ પ્રત્યે નિષ્ઠા, સામૂહિક શ્રમદાન જેવી વિદ્યાપીઠની વિશેષતાઓને બિરદાવી હતી.

ગુજરાત વિદ્યાપીઠના ગુરૂપૂર્ણિમા સત્રના દીક્ષારંભ પ્રસંગે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના વિચારો 100 વર્ષ પહેલા પણ એટલા જ પ્રસ્તુત હતા અને આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને તેમના વિચારોને આ મહાન સંસ્થા (ગુજરાત વિદ્યાપીઠ) વધુને વધુ લોકો સુધી લઈ જઈ રહી છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં એક સકારાત્મક વાતાવરણમાં શિક્ષણ સાથે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થી પાસ થઈને સમાજમાં જાય ત્યારે સમાજનું નામ રોશન કરે અને સમાજમાં પોતાનું યોગદાન આપે એ રીતે વિદ્યાર્થીઓને અહીં તૈયાર કરવામાં આવે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, એક જુલાઈથી શરૂ થયેલા નવા સત્રનો દીક્ષારંભ સમારોહ એક પખવાડિયા સુધી ચાલશે. આ વર્ષે વિવિધ 18 રાજ્યોના વિદ્યાર્થીઓએ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો છે. ગત વર્ષના 800 વિદ્યાર્થીઓના પ્રવેશની સરખામણીમાં આ વર્ષે કુલ 1200 વિદ્યાર્થીઓ ગાંધી મૂલ્યો અને ગાંધીજીના જીવન આદર્શો સાથે શિક્ષણ મેળવવા માટે જોડાયા છે એ ગૌરવપૂર્ણ વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સેમ.1 અને સેમ.2ની અંગ્રેજી પેટર્નને બદલે હવે પ્રથમ વાર બે ભારતીય શૈક્ષણિક સત્ર પરંપરા મુજબ ગુરૂપૂર્ણિમા સત્ર તથા વસંતપંચમી સત્ર તરીકે શિક્ષણકાર્ય ચલાવવામાં આવશે.

આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠમાં ઉનાળુ વેકેશન દરમિયાન ચાલતા સ્વપ્ના (SWAPNA-Swabhiman Project For Nurturing Altitude) પ્રોજેક્ટમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ દ્વારા AMCના વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટ સાથે કરવામાં આવેલા MOU અંતર્ગત સાબરમતી નદીના પૂર્વ કિનારે એલિસબ્રિજ પાસે આવેલા 20 મંદિરોના ઐતિહાસિક સર્વેક્ષણનો રિપોર્ટ ઇતિહાસ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા રાજ્યપાલને સુપરત કરવામાં આવ્યો હતો.

આ દીક્ષારંભ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠનું ટ્રસ્ટી મંડળ, ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ ડૉ.નિખિલ ભટ્ટ તેમજ વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.