14 વર્ષ બાદ લેબર પાર્ટીની જંગી જીત સાથે સત્તામાં થઈ વાપસી
યુકેની ચૂંટણીમાં ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત મેળવી છે.
લેબર પાર્ટીના કીર સ્ટાર્મર બ્રિટનના વડાપ્રધાન બનશે. બ્રિટનમાં 650 બેઠકોમાંથી સરકાર બનાવવા માટે 326 બેઠકો મેળવવી જરૂરી છે, જે બહુમતનો આંકડો છે. લેબર પાર્ટીએ આ આંકડો હાંસલ કર્યો છે. કોઈપણ દેશની સરકાર બદલાય તો તેનો પોતાનો એજન્ડા હોય છે, બ્રિટનમાં નવી સરકારની રચના ભારતને પણ અસર કરશે.
બ્રિટિશ સામાન્ય ચૂંટણીમાં 14 વર્ષ બાદ લેબર પાર્ટીની જંગી જીત સાથે સત્તામાં વાપસી થઈ છે. લેબર પાર્ટીના નેતા અને બ્રિટનના નવા વડાપ્રધાન બનવાના માર્ગે જઈ રહેલા કીર સ્ટારમેરે મતદારોનો આભાર માન્યો અને કહ્યું કે દેશના લોકો પરિવર્તન માટે તૈયાર છે. હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ જીત્યા બાદ તેમના વિજય ભાષણમાં, 61 વર્ષીય સ્ટારમેરે કહ્યું કે લોકોએ તેમને મત આપ્યા કે નહીં, ‘હું આ મતવિસ્તારના દરેક વ્યક્તિની સેવા કરીશ.’
હાર બાદ સુનકનું નિવેદન પણ આવ્યું છે. સુનકે કીરને અભિનંદન આપતાં હાર પણ સ્વીકારી લીધી છે. સુનકે કહ્યું કે મેં વિજેતા લેબર પાર્ટી અને તેમના નેતા કીર સ્ટારમરને અભિનંદન આપવા માટે ફોન કર્યો છે.
ઋષિ સુનકે યુકે ચૂંટણીમાં હાર બાદ કહ્યું કે આજે સત્તા નવા હાથમાં જશે જે જનતાનો નિર્ણય છે. સુનકે કહ્યું કે, હું ઘણા સારા, મહેનતુ ઉમેદવારોની હારની જવાબદારી લઉં છું, જેઓ પરાજય થયા છે. તેમના અથાગ પ્રયાસો, તેમના સ્થાનિક રેકોર્ડ્સ અને તેમના સમુદાયો પ્રત્યેના તેમના સમર્પણ હોવા છતાં, જેનો મને અફસોસ છે.