મેડિકલ કૉલેજોએ તોતિંગ ફી વધારો કરતા વિરોધ પ્રદર્શન, ફી વધારાને રદ બાતદલ કરવાની માંગ

medical-virodhpradarshan

મેડિકલના અભ્યાસ માટે ફીમાં તોતિંગ વધારો થતાં ગરીબ વિદ્યાર્થી માટે ડોકટર બનવું સપનું બની જશે
ખાનગી મેડિકલ કોલેજમાં 40 લાખ તો સરકારીમાં 11 લાખનો તોતિંગ વધારો કરાયો છે

મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કલેક્ટરને રજૂઆત કરી હતી. તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે, ગરીબ, મધ્યવર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સ્વપ્નું રોળાઇ જશે. હવે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય તે જ ડોક્ટર બની શકે.

સરકાર દ્વારા ગર્વમેન્ટ મેડીક્લ કોલેજમાં ગર્વમેન્ટ સીટ અને મેનેજમેન્ટ સીટ માટેની ફીમાં તોતીંગ વધારો ઝીંકી દીધો છે. જેનો ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટના વાલી મંડલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે તોંતીગ ફી વધારો પાછો ખેંચી લેવા રજુઆત કરી આવેદન પત્ર પાઠવ્યું છે. રાજકોટના વાલી મંડળો દ્વારા ક્લેક્ટર તેમજ ધારાસભ્ય સહિતના પદધિકારીઓને આવેદન પત્ર પાઠવી ફી વધારો પરત ખેંચવા રજુઆત કરી છે.

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કરવામાં આવેલા ફી વધારાને રદ બાતદલ કરવાની માંગ ઉઠી છે. સરકારી નર્સિંગ કોલેજોમાં સરકાર દ્વારા એકાએક તોતિંગ ફી વધારો ઝીંકી દેતા વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આજે રાજકોટ ખાતે બહુમાળી ચોક ખાતે એકત્ર થઇ અને પ્લેકાર્ડ બતાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ ફી વધારો પરત ખેંચવા માંગ કરી હતી.

આ અંગે પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, GMERS કોલેજમાં અચાનક 66 ટકા ફી વધારી દેવામાં આવી, એટલે કે 3.50 લાખની જગ્યાએ 5.50 લાખ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટામાં 89% ફી વધારો એટલે કે લાખની 17 લાખ કરી દીધી છે. તેમજ 210 સરકારી સીટો ગુજરાત પાસેથી આંચકી કેન્દ્ ને ભરવા સોંપી દીધેલ છે.

સરકારી ક્વોટામાં 9.50 લાખ અને મેનેજમેન્ટમાં 36 લાખ વધારાના ફી પેઠે ચૂકવવાના થાય છે. આ ફી વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું ક્યારેય પૂરું ન થઇ શકે એવું લાગે છે.

એક તરફ વાલીઓ મેડિકલ અભ્યાસ માટે થયેલા ફી વધારાનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ આ ફી વધારાને લઈને આગળ આવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાત બ્રાન્ચના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પત્ર લખી અને મેડિકલના અભ્યાસમાં કરવામાં આવેલ ફી વધારાને રદબાતલ કરવા માટે માંગ કરી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત બ્રાન્ચના હોદ્દેદારો પ્રમુખ ડો. ભરત કાકડીયા અને માનદ મંત્રી ડોક્ટર મેહુલ શાહે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી અને મેડિકલના અભ્યાસમાં જીએમઈઆરએસ દ્વારા કરવામાં આવેલા તોતિંગ ફી વધારાને રદ બાતલ કરવા માગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, ઈન્ડિયન મેડીકલ એસોસિએશન, ગુજરાતનાં તબીબી વિદ્યાર્થીઓ, વાલીઓ અને તબીબી શિક્ષણનાં વ્યાપક હિતને ધ્યાનમાં રાખી આ તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદબાતલ કરવા માટે આપને અનુરોધ કરીએ છીએ.