ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ખાસ ‘ઈન્ડિયા ચેમ્પિયન્સ’ લખેલી ટીશર્ટ પહેરેલા નજરે પડ્યા
અદ્ભુત મીટિંગ રહી, ગર્વ છે સર…: PM મોદીને મળ્યા બાદ વિરાટ કોહલી
T20 વર્લ્ડ કપની ટ્રોફી સાથે ટીમ ઈન્ડિયા ભારતમાં આવી ચુકી છે. ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટથી લઈને ITC મોર્ય સુધી ક્રિકેટ ચાહકોએ ભારતીય ખેલાડીઓનું જોશ અને ઉત્સાહ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ટ્રોફી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
વીડિયો જોવા માટે નીચેનાં ફોટો ઉપર ક્લીક કરો.
https://x.com/ANI/status/1808767618838638739
‘ઈન્ડિયા ચેમ્પિયન્સ’ ટીશર્ટ પહેરીને PM મોદી સાથે કરી મુલાકાત
ANI દ્વારા એક્સ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં રોહિત શર્મા સહિત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જાડેજા, ઋષભ પંત, બુમરાહ સહિત તમામ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા લખેલી સ્પેશિયલ ટીશર્ટ પહેરીને પીએમ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ટીમ ઈન્ડિયાએ વડાપ્રધાન મોદી સાથે તસવીર પણ લીધી હતી. વીડિયોમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓ ખાસ ‘ઈન્ડિયા ચેમ્પિયન્સ’ લખેલી ટીશર્ટ પહેરેલા નજરે પડ્યા.
તમામ ખેલાડીઓ પોતાના અનુભવોને શેર કર્યા
કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજુબાજુ બેસેલા દેખાયા. આ સાથે જ તેમણે T20 વર્લ્ડ કપની ટ્રોફી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોંપી હતી. વીડિયોમાં PM ટીમ ઈન્ડિયા સાથે મજાક-મસ્તી કરતાં નજરે પડી રહ્યા છે. વડાપ્રધાન તમામ ખેલાડીઓને તેમના અનુભવો પુછ્યા હતા. એક એક કરીને તમામ ખેલાડીઓ પોતાના અનુભવોને શેર કર્યા હતા.
PM મોદીને મળ્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું- તમને મળીને ગર્વ થયો
પીએમ સાથેની મુલાકાત બાદ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી તેમા લખ્યું હતું કે, ‘આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળીને ખૂબ ગર્વ અનુભવું છું. અમને વડાપ્રધાનના નિવાસસ્થાન પર આમંત્રણ આપવા બદલ સાહેબનો આભાર.’ તેમણે પીએમ મોદીને ટેગ પણ કર્યા હતા.
અત્રે નોંધનીય છે કે, T20 ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આજે બાર્બાડોસથી ભારત પરત ફરી હતી, જ્યાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની બહાર સતત ઝરમર વરસાદ અને કડક સુરક્ષા હોવા છતાં સેંકડો પ્રશંસકોએ ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ચાહકો તેમના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર છત્રીઓ અને રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા બહાર લાઈનોમાં ઉભા હતા.