મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસ વધતા કેન્દ્રીય સરકારે તમામ રાજ્યોને કર્યા એલર્ટ, સ્થિતિ પર નજર રાખવા નિર્દેશ

zika-virus

આરોગ્ય અને કલ્યાણ મંત્રાલયે રાજ્યમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપી
ઝિકા વાયરસની સૌથી ગંભીર અસર ગર્ભવતી મહિલાઓ પર થાય છે

કેન્દ્ર સરકારે આજે બુધવારે તમામ રાજ્યો માટે એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસે પગ પેસારો કરી લીધો છે. તે જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવાની સુચના આપી છે. ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે.

https://x.com/ANI/status/1808424760491258275

મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના 8 કેસ સામે આવ્યા છે. તકેદારીના ભાગરૂપે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને આદેશ જાહેર કરી સ્થિતિ પર નજર રાખવા નિર્દેશ આપ્યા છે. ઝિકા વાયરસની સૌથી ગંભીર અસર ગર્ભવતી મહિલાઓ પર થાય છે. જો ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત થાય છે તો તેના ગર્ભમાં રહેલા બાળક માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે.

હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સુચના આપી હતી. જે એડીસ મચ્છરોથી થતાં ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. એડીસ મચ્છર જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ, 2024 સુધી પુણેમાં ઝિકાના 6 કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં 1-1 કેસ નોંધાયા છે.

દરેક જગ્યાએ મોનીટર કરો
મંત્રાલયે એડવાઈઝરીમાં રહેણાંક વિસ્તારો, કાર્યસ્થળો, શાળાઓ, બાંધકામ સ્થળો, સંસ્થાઓ અને આરોગ્ય સુવિધાઓમાં કીટશાસ્ત્રીય દેખરેખને મજબૂત કરવા અને વેક્ટર નિયંત્રણ પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે. વાયરસની સમયસર શોધ અને નિયંત્રણ માટે, રાજ્ય સત્તાવાળાઓને ચેતવણી, તૈયાર રહેવા અને તમામ સ્તરે યોગ્ય લોજિસ્ટિક્સની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે.

શું છે ઝિકા વાયરસ ?
આ વાયરસ સૌથી પહેલા 1947માં યુગાન્ડાના ઝિકા જંગલમાં જોવા મળ્યો હતા, અને તેથી તેનું નામ ઝિકા પડ્યું હતું. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. જો ગર્ભવતી મહિલા ઝિકા વાયરસથી સંક્રમિત થાય છે તો ગર્ભમાં ઉછેરી રહેલા બાળક માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. જેનાથી માઈક્રોસેફલી( બાળકના માથાનો આકાર નાનો થઈ જવો) અને અન્ય ગંભીર મસ્તિષ્ક સંબંધી બીમારી થઈ શકે છે. આ સિવાય ઝિકા વાયરસ ગર્ભપાતના જોખમને પણ વધારે છે.

ભારતમાં ઝિકાનો પ્રથમ કેસ વર્ષ 2016માં ગુજરાતમાંથી નોંધાયો હતો. ત્યાર બાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.

ઝિકા વાયરસના લક્ષણો
હળવો તાવ આવી શકે છે.
ચામડી પર લાલ ફોલ્લીઓ(લાલ રંગના દાણા) થઈ શકે છે.
હાથ અને પગના નાના સાંધામાં દુખાવો થઈ શકે છે.
સામાન્ય સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.
માથામાં સામાન્ય દુખાવો થઈ શકે છે.
આંખોમાં લાલાશ અથવા બળતરા થઈ શકે છે.

ઝિકા વાયરસથી બચવાના ઉપાયો
મચ્છરોના કરડવાથી બચવા માટે મચ્છરદાની અથવા સ્પ્રેનો ઉપયોગ કરો
ખુલ્લા અને હળવા રંગના કપડાં પહેરો જે શરીરને ઢાંકે
તમારા વિસ્તારની આસપાસ પાણી જમા ન થવા દો
જો તમે ઝિકા વાયરસથી પ્રભાવિત ક્ષેત્રમાં મુસાફરી કરી રહ્યા છો તો મુસાફરી પહેલા અને પછી સ્વાસ્થ્યની તપાસ જરૂર કરાવો

ઝિકા વાયરસનો ઈલાજ
દર્દીએ પૂરતો આરામ કરવો જોઈએ
શરીરમાં પાણીની કમી ન થાય તે માટે ભરપૂર પાણી પીવું જોઈએ
સાંધાઓ અને માંસપેશીઓના દર્દ માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ
કોઈ પણ દવાનો ઉપયોગ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.