TRP ગેમ ઝોન ભાજપના શાસકોના ભ્રષ્ટાચારના પાપે ઊભો થયેલો હત્યાકાંડ, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ
રાજકોટમાં બનેલી ગોઝારી ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનામાં સત્તાવાર રીતે 27 લોકો જીવતા ભડથું થઇ જતાં હતભાગીઓની મરણચિસોથી આખુ રાજકોટ ધ્રુજી ઉઠ્યું હતું. જે કેસમાં TPO મનસુખ સાગઠીયાને પકડવામાં આવ્યો છે તેની પૂછપરછમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠીયાના બેનામી સંપતીનો વધુ એક પિટારો ખુલ્યો છે જેને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સાગઠીયા અને ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટાચારને લઇ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
TRP ગેમ ઝોન રાજકોટ અગ્નિકાંડ મામલે TPO અધિકારી સાગઠીયાના નામે કોંગ્રેસે ભાજપના નેતાઓને આડે હાથ લીધા છે. કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી દ્વારા ભાજપ પર આરોપ લગાવામાં આવ્યો છે કે અગ્નિકાંડ ભાજપના શાસકોના ભ્રષ્ટાચારના પાપે ઊભો થયેલો હત્યાકાંડ છે. 10 વર્ષ સુધી સાગઠીયા પર ભાજપના શાસકોનો હાથ રહ્યો છે. દરેક એક વિભાગમાં આવા સાગઠીયા ભારતીય જનતા પાર્ટીએ ઊભા કર્યા છે. 10 વર્ષ સુધી સાગઠીયાને બચાવનાર ભાજપના નેતાઓ કોણ છે? તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. જે કામમાં ટકાવારી નક્કી થાય તો એ ટકાવારી લેનાર ભાજપના નેતાઓ કોણ? સેવા સદન કે જે ભાજપ માટે મેવા સદન છે એમાં ઘણા સાગઠીયા છે. તમામ વિભાગોમાં આવા સાગઠીયાઓ પર સકંજો કસી ગુજરાત અને ગુજરાતીઓને ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મળવી જોઈએ. હવે કોઈ નવું કાંડ ન થાય તે માટે દરેક વિભાગોમાં આવા સાગઠીયાઓ છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ.