ઉત્તરપ્રદેશનાં હાથરસમાં સત્સંગ કાર્યક્રમ દરમિયાન નાસભાગ થતા 50થી વધુ લોકોના મોત, પ્રત્યક્ષ દર્શીએ ઘટના વર્ણવી

hathras-accident1

સત્સંગ પૂર્ણ થયા બાદ ત્યાંથી જલ્દી નિકળવાની ઉતાવળમાં લોકોમાં ભાગદોડ મચી હતી

ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સત્સંગમાં અચાનક નાસભાગ મચી જવાથી 50થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ શ્રદ્ધાળુઓ બેભાન થઈ ગયા છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના હાથરસનાં ફુલરાઈ ગામમાં ભોલે બાબાના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્સંગમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સત્સંગ દરમિયાન અચાનક નાસભાગ મચી જવાથી સત્સંગમાં ભાગ લેવા આવેલા 50થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. નાસભાગમાં ઘાયલ થયેલા લોકોને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે ગંભીર રીતે ઘાયલોને ઉચ્ચ કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. અકસ્માત બાદ સ્થિતિ ભયજનક બની ગઈ હતી. કોઈક રીતે ઘાયલો અને મૃતકોને બસ-ટેમ્પોમાં ભરીને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં મૃતકોની સંખ્યા હજુ વધવાની આશંકા છે.

https://x.com/KreatelyMedia/status/1808104250834076124/video/1

એટાના સીએમઓ ઉમેશ ત્રિપાઠીએ જણાવ્યું કે હાથરસથી અત્યાર સુધીમાં 27 મૃતદેહો આવ્યા છે. જેમાં 25 મહિલાઓ અને 2 પુરૂષો છે. બાકીના મૃતદેહો સીએચસી સિકંદરરૌમાં છે. ત્યાં 150થી વધુ લોકો દાખલ છે. પંચનામાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

https://x.com/KreatelyMedia/status/1808104250834076124/video/2

યુપીના સીએમ યોગી આદિત્યનાથે આ દુઃખદ ઘટનાની નોંધ લીધી છે. તેમણે મૃતકોના પરિવારજનો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ તમામ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક અસરથી રાહત કાર્યને ઝડપી બનાવવા તેમજ ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે. ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સત્સંગમાં 15 હજારથી વધુ લોકો આવ્યા હતા.

https://x.com/ANI/status/1808113976057938170

હાથરસ પ્રશાસને ખાનગી હોસ્પિટલોને એલર્ટ કરી દીધા છે. દરેકને બેડ અનામત રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઘાયલોને હાલ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળે પરિસ્થિતિ કાબૂ બહાર છે. ભીડ અને મૃતદેહો વચ્ચે દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોને શોધી રહ્યો છે.

પ્રત્યક્ષ દર્શીએ ઘટના વર્ણવી
ઘટનાની પ્રત્યક્ષ દર્શી મહિલાએ આ અંગે જણાવ્યું કે, સત્સંગમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા પરંતુ હોલ નાનો હતો. દરવાજો પણ સાંકડો હતો. પહેલા બહાર નીકળવામાં નાસભાગ મચી ગઈ હતી. લોકો એકબીજા પર પડ્યા. ઘણી મહિલાઓ અને બાળકો આ ઘટનામાં પડી ગયા હતા અને લોકોની ભીડ તેમના ઉપરથી ભાગી રહી હતી. ત્યાં હાજર લોકોમાંથી કોઇએ પણ તેમની મદદ કરી ન હતી.

ભોલે બાબા કોણ છે ?


ભોલે બાબાનું સાચું નામ નારાયણ સાકાર હરિ છે. તે સત્સંગ કરે છે. તે એટાના પત્યાલી તાલુકામાં બહાદુર ગામના રહેવાસી છે. તેમણે 26 વર્ષ પહેલા સરકારી નોકરી છોડીને પ્રવચન કરવાનું શરૂ કર્યું હતું. ઉપદેશમાં તેમણે દાવો કર્યો છે કે તે ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતા હતા. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભોલે બાબાના વધુ અનુયાયીઓ છે.