7 જુલાઇના રોજ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી ઐતિહાસિક રથયાત્રા નીકળશે. આ માટે તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ત્યારે આજે સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાશે. સાંજે 5થી 7 કલાક દરમિયાન સરસપુરમાં ભગવાન રણછોડરાયજીના મંદિરમાં ભગવાનનાં ભવ્ય મામેરાનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ભગવાનના ભવ્ય મામેરાનાં દર્શન કરી શકશે.
અમદાવાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મામેરાની તૈયારીઓ થઇ રહી છે. ત્યારે ભગવાનનાં મામેરાનાં યજમાનના ઘરે સામૈયા માટે જવેરા વાવવામાં આવ્યા છે. આ વખતે મામેરાના લાહવો મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના ગાંઠિયોલ ગામમાં વતની વિનોદ પ્રજાપતિને મળ્યો છે. જેને લઈને પરિવાર સહિત સોસાયટીના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિવારના લોકો મામેરાને લઈને વિશેષ તૈયારી કરી છે. સામૈયા માટે જવેરા વાવતા વસ્ત્રાલમાં રહેતા વિનોદભાઇના ઘરે ખુશીનો માહોલ છે. માહિતી મુજબ, આજે સાંજે 5 થી 7 કલાકે મામેરાનાં ભવ્ય દર્શનનું આયોજન કરાશે. વર્ષ 2024 માં ભગવાન જગન્નાથજીનું જે મામેરુ ભરાશે તેમાં ન માત્ર મામેરાના યજમાન પરંતુ મામેરાના યજમાન સાથે સોસાયટી અને એક સાથે ગુજરાતના 42 જેટલા ગામ જોડાશે. મામેરાની વાત કરીએ તો આ વખતે ભગવાનના વાઘા ખાટલી વર્ક વાળા કરવામાં આવ્યા છે. સુભદ્રાજીને શોભા આપનારા તમામ અલંકારો ડાયમંડના બનાવવામાં આવ્યા છે.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી વિનોદભાઈ પ્રજાપતિએ માઈક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે. માત્ર પોતાનું ગામ નહીં પરંતુ 42 ગોરના પ્રજાપતિ પરિવારને મામેરાનું નોતરું પણ આપવામાં આવ્યું છે. સરસપુર વિસ્તારમાં મામેરાના દર્શન બાદ ત્રીજી જુનના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શોભા યાત્રા પણ કાઢવામાં આવશે. જેમાં એક સાથે 42 ગામના લોકો શોભાયાત્રામાં જોડાશે. ગામના લોકો માટે વિશેષ જમણવારનું પણ વસ્ત્રાલમાં આયોજન કરવામાં આવ્યું છે.