બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાની જૂની માંગને દોહરાવી
લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ (JDU) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે દિલ્હીની કોન્સ્ટિટ્યૂશનલ ક્લબમાં યોજાઈ હતી. જેનું નેતૃત્વ ખુદ પાર્ટીના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું હતું. બેઠકમાં રાજ્યસભા સાંસદ સંજય ઝાને પક્ષના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ બિહાર માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ પણ બેઠકમાં કરવામાં આવી હતી.
https://x.com/AHindinews/status/1806972175993524280
બેઠકમાં જેડીયુના પ્રમુખ નીતિશ કુમારે ખુદ સંજય ઝાને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. આ બેઠકમાં નીતીશ કુમાર સિવાય કેસી ત્યાગી, લલન સિંહ, વિજય કુમાર ચૌધરી, દેવેશ ચંદ્ર ઠાકુર સહિત પાર્ટીના તમામ મહત્વપૂર્ણ નેતાઓ બેઠકમાં હાજર હતા. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતે આ પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર તમામ કાર્યકારી સભ્યોએ તેને મંજૂરી આપી હતી.આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.
જેડીયુ નેતા રાજીવ રંજને જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે બિહારમાં રેલ્વે લાઈન સારી હોવી જોઈએ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, એટલા માટે જ નીતીશ કુમાર બિહારને સ્પેશિયલ પેકેજ આપવાની ઘણા સમયથી માંગ કરી રહ્યા છે. રાજકીય પ્રસ્તાવમાં નીતિશ કુમારની પાર્ટીએ ફરી એકવાર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અથવા વિશેષ પેકેજ આપવાની જૂની માંગને દોહરાવી હતી. આ સાથે જ જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીએ બિહારમાં જાતિ સર્વેક્ષણ રિપોર્ટના આધારે અનામતનો વ્યાપ વધારવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
નીતીશ કુમારની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કેન્દ્ર સરકાર સમક્ષ કરાઈ છે. તેમાં ભારપૂર્વક કહેવાયું છે કે બિહારને લાંબા સમયથી વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માગ થઇ રહી છે. રાજ્યના આર્થિક વિકાસ માટે તે ખૂબ જ જરૂરી બની ગયું છે.
સંજય ઝા નીતિશ કુમારના ખૂબ જ નજીકના અને વિશ્વાસુ નેતાઓમાંના એક માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી નીતીશ કુમાર તેમની તમામ ગતિવિધિઓમાં સામેલ હતા. તાજેતરમાં જ તેઓ રાજ્યસભામાં JDUના નેતા તરીકે ચૂંટાયા હતા. હવે તેમને આ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
આ બેઠકમાં સંગઠન સંબંધિત એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યકારિણી નીતિશ કુમારના નેતૃત્વમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરશે અને જેડીયુએ આ ઠરાવમાં 2025માં આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવાનો સંકલ્પ પણ કર્યો છે. ઉપરાંત જનતા દળ યુનાઈટેડએ 2024ની ઝારખંડ ચૂંટણીમાં તેના ઉમેદવારો ઉભા રાખવા અને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.