અમદાવાદમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણી પાણી

rain-ahmedabad

ધોધમાર વરસાદ વરસતા અમદાવાદવાસીઓને ગરમી અને બફારામાંથી થોડાક અંશે મળી રાહત

રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. આખા દિવસના બફારા અને ઉકળાટ બાદ સાંજે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના લીધેસરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ.જી હાઇવે પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

સાંજ પડતા જ અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે. ઘાટલોડિયા, રાણીપ, આંબાવાડી, જોધપુર, શિવરંજની, નારણપુરામાં વરસાદ વરસ્યો છે.આ ઉપરાંત એસ જી હાઇવે, ગોતા, પ્રહલાદનગરમાં પણ વરસાદ વરસ્યો છે. લોગાર્ડન, પાલડી અને જમાલપુર વિસ્તારમાં પણ વરસાદ થયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યનાં 10 જિલ્લામાં આજે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલીના સાવરકુંડલામાં ચાર ઈંચ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પોશીનામાં ખાબક્યો છે.

rain-gujarat

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વસ્ત્રાલ, નિકોલ અને નરોડામાં વરસાદી માહોલ જામ્યો છે. CTM, જશોદાનગર વિસ્તારમાં પણ વરસાદ થતા નીચાણવાળા પાણી પાણી થઇ ગયા છે.

રાજ્યમાં આજથી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં 30મી જૂનથી પહેલી જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં જુલાઇના પહેલા અને બીજા અઠવાડિયામાં એટલે 8 જુલાઇથી 12 જુલાઇએ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. અમુક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં જોરદાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સુરત, નવસારી, વલસાદ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ પશ્રિમ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી. મધ્ય ગુજરાતમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ધીમે ગતીએ વરસાદ પડશે તેમ જણાવ્યું હતુ.

28 જૂન શુક્રવારના રોજ સુરત, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુરસ આંણદ, ભરુચ, નર્મદા, તાપી, ડાંગ, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં નહિવત પ્રમાણમાં વરસાદી માહોલ રહેશે.