10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી, સેમીફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું

india-win-semifinale-rohit

ભારતીય ટીમ 29 જૂને સાઉથ આફ્રિકા સામે રમશે ફાઈનલ
ભારતની ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત, 2022ની સેમિફાઈનલની હારનો બદલો લીધો

ભારતે ઇંગ્લેન્ડને હરાવીને T-20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત હવે આવતીકાલે 29 જૂને રાત્રે 8 વાગ્યે બાર્બાડોસમાં સાઉથ આફ્રિકા સામે ટાઈટલ માટે મેચ રમશે, જે પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારતે 2007માં ટાઈટલ જીત્યું હતું અને 2014ની ફાઈનલમાં હાર મળી હતી.

10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમે ત્રીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ 2024માં ધમાલ મચાવતા ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમે ગુરુવારે સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 68 રનથી શરમજનક રીતે હરાવી છે. આ સાથે જ 2 વર્ષ જૂનો બદલો પણ લઈ લીધો છે.ટીમ છેલ્લે 2014માં ફાઈનલમાં પહોંચી હતી.

https://x.com/T20WorldCup/status/1806418463650353636

ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા રોહિત શર્માની ફિફ્ટીની મદદથી ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 16.4 ઓવરમાં 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજી સેમીફાઈનલમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 68 રને હરાવ્યું હતું.

ભારતીય કેપ્ટને 57 રન બનાવ્યા. 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. રોહિતે આ ઇનિંગ 39 બોલમાં 146 રનના સ્ટ્રાઇક રેટથી રમી હતી. ઈંગ્લેન્ડના બોલર્સને હાવી થવા નહતા દીધા અને રનરેટ પણ નીચે આવવા દીધો નહોતો. સૂર્યકુમાર યાદવે 47 રનની ઇનિંગ રમી હતી. 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. રોહિત બાદ સૂર્યાએ ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

https://x.com/T20WorldCup/status/1806419232466285016

ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરતા પહેલા બેટિંગમાં પણ જ્યારે જરૂર હતી ત્યારે મહત્વના 10 રન જોડ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ બટલર, મોઈન અલી અને બેયરસ્ટોની મહત્વની 3 વિકેટો ઝડપી હતી. જેના પરિણામે અક્ષરને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

કુલદીપ યાદવ અને અક્ષર પટેલની બોલિંગના આધારે ભારતે ઈંગ્લેન્ડની ટીમને 16.4 ઓવરમાં ઓલઆઉટ કરી દીધી હતી. ભારતે ઈંગલેન્ડની ટીમને માત્ર 103 રન બનાવીને પેવેલિયનમાં મોકલી દીધી હતી.

કુલદીપ યાદવ અને અક્ષર પટેલે મળીને 6 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા. ચાઈનામેન સ્પિનર ​​કુલદીપે 4 ઓવરમાં માત્ર 19 રન આપ્યા હતા. હેરી બ્રુક, સેમ કરન અને ક્રિસ જોર્ડનને પણ પેવેલિયનમાં મોકલ્યા હતા. જસપ્રીત બુમરાહે ફિલ સોલ્ટ અને જોફ્રા આર્ચરને આઉટ કર્યા હતા.