રાજધાની દિલ્‍હીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, 88 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, રસ્તાઓ બેટમાં ફેરવાયા

delhi-heavy-rain

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટની છત તૂટતાં એકનું મોત

પાણીના એક-એક ટીપા માટે તરસતા દિલ્હીમાં આજે પાણી જ પાણી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્‍હીમાં 228.1 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉ 28 જૂન, 1936ના રોજ 235.5 મીમી વરસાદ પડ્‍યો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યુ છે. દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે. ટ્રેનો ડૂબી રહી છે. હવે કેટલીક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.

https://x.com/ANI/status/1806500544728682710

રાજધાની દિલ્હી-એનસીઆરમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છે. શુક્રવારે વહેલી સવારથી દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ સહિત સમગ્ર NCRમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદ બાદ હાલમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે, એક દિવસના વરસાદમાં જ સમગ્ર દિલ્હી જળબંબાકાર થઈ ગઈ છે. લ્યુટિયન ઝોનથી લઈને પૂર્વ દિલ્હી, પશ્ચિમ દિલ્હી સુધીના તમામ વિસ્તારોમાં ભારે પાણી ભરાયા છે. દેશના સૌથી મોટા એરપોર્ટ ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર પણ અનેક ભાગોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે.

https://x.com/ANI/status/1806535154590163248

દિલ્હીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1ની લોખંડના પિલર્સના ટેકાવાળી છતનો એક ભાગ પણ ધરાશાયી થયો હતો જેમાં 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. ત્રણેય ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દત્તા પથ, અરબિંદો માર્ગ, મૂળચંદ, મધુ વિહાર, ભીખાજી કામા પ્લેસ સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ જવાના કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બન્યું છે. દિલ્હીના મિન્ટો રોડ વિસ્તારમાં મિન્ટો બ્રિજની નીચે ભરાયેલા પાણીમાં એક ટ્રક અને એક કાર ડૂબી ગઈ.

https://x.com/ANI/status/1806539029472514170

શુક્રવારે સવારે જ્યારે દિલ્હીના લોકો જાગ્યા તો તેમણે રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ દેખાઈ રહી છે. સતત વરસાદને કારણે દિલ્હીના સફદરજંગ અને એઈમ્સ વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે. લોકોને કમર સુધી પાણીમાં ઉંડે સુધી ચાલવાની ફરજ પડી રહી છે. ઘણી જગ્યાએ એમ્બ્યુલન્સ ડૂબી ગઈ છે, જ્યારે એક કાળા રંગનું વાહન હોસ્પિટલ નજીક પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયેલું જોવા મળે છે. આ સમયે રાહદારીઓ લાચાર જણાય છે. ઊંડા પાણીમાંથી પગપાળા માર્ગ પાર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

જુની દિલ્હીથી નવી દિલ્હીને જોડતો મિન્ટો બ્રિજ દિલ્હીના પહેલા વરસાદમાં ડૂબી ગયો હતો. શુક્રવારે વહેલી સવારથી દિલ્હીમાં ભારે વરસાદ બાદ, મિન્ટો બ્રિજની નીચે પાણી ભરાઈ જવાને કારણે સાવચેતીના પગલા તરીકે તેને બંધ કરવામાં આવ્યું હતું. કનોટ પ્લેસની બાજુમાં આવેલ મિન્ટો બ્રિજ લગભગ દરેક વરસાદ પછી પાણી ભરાઈ જાય છે. આજે સવારે આ પુલ નીચે ભારે પાણી ભરાઈ જતા એક ટ્રક અને એક કાળી કાર ખાબકી હતી. વર્ષ 2020ની શરૂઆતમાં લાલ રંગની ડીટીસી બસ મિન્ટો બ્રિજ નીચે પાણી ભરાઈ જતાં ડૂબી ગઈ હતી. ગયા વર્ષે, જાહેર બાંધકામ વિભાગ અને સ્થાનિક સંસ્થા MCDએ દાવો કર્યો હતો કે હવે આ પુલ નીચે પાણી એકઠું થશે નહીં. તેમ છતાં શુક્રવારે મિન્ટો બ્રિજ નીચે વરસાદનું એટલું બધું પાણી હતું કે તેમાં એક કાર ડૂબી ગઈ હતી.