વરસાદની સિઝનમાં છોકરી ધાબા પર રીલ બનાવતી હતી તે સમયે અચાનક જ વીજળી પડી હતી
બિહારના સીતામઢી જિલ્લામાંથી વીજળી પડવાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી ધાબા પર ઉભી હતી ત્યારે જ વીજળી પડતાં તે બચી ગઈ હતી. જ્યાં વીજળી પડી હતી ત્યાંથી થોડી જ દૂર છોકરી ઊભી હતી. લગભગ 10 સેકન્ડના આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આંખો આંજી દેતો પ્રકાશ અને ભયંકર ગર્જના સાથે બાજુની છત પર વીજળી પડે છે.
https://x.com/ysaha951/status/1805958789998195030
આજના બાળકો અને યુવાનોમાં રીલ્સ બનાવવાનો ક્રેઝ ચરમસીમાએ છે. રીલ્સ બનાવવામાં તેઓ ઘણી વાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આવો જ એક રીલ બનાવતો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો બિહારના સીતામઢી જિલ્લાનાં સિરસિયા બજાર ગામનો છે. જ્યાં સિરસિયા પંચાયતના સરપંચ રાઘવેન્દ્ર ભગતની પુત્રી મુસ્કાન કુમારી બુધવારે વરસાદની મોસમમાં ટેરેસ પર રીલ બનાવવા ગઈ હતી. મુસ્કાનની બહેન સાનિયા મોબાઈલથી વીડિયો શૂટ કરી રહી હતી. આ દરમિયાન જેવી જ મુસ્કાને ડાન્સ સ્ટેપ્સ શરૂ કર્યા, તે જ સમયે ભયાનક ગર્જના સાથે બાજુની છત પર વીજળી પડી. આ પછી મુસ્કાન પોતાનો જીવ બચાવવા દોડી હતી. આ સમગ્ર ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
રાઘવેન્દ્ર ભગતની બે દીકરીઓ વીજળી પડતાં બચી ગઈ હતી. તેમનાં પાડોશીના ટેરેસ પર વીજળી પડી હતી, જેના કારણે ઘરની છત અને સીડીઓમાં તિરાડો પડી ગઈ હતી. તેમના ઘરના વીજ વાયરિંગ સાથે ફ્રીઝર, પંખા સહિત અન્ય વીજ ઉપકરણો પણ બળી ગયા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે વીજળી પડવાને કારણે નજીકમાં આવેલું ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર પણ બળી ગયું હતું.