અટલ બિહારી વાજપેયી સિવાય કોઈ વિપક્ષી નેતા વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી શક્યા નથી
લોકસભાને 10 વર્ષ બાદ નવા વિપક્ષના નેતા મળ્યા છે. કોંગ્રેસે આ જવાબદારી રાહુલ ગાંધીને સોંપી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઈન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી લોકસભામાં 15માં વિપક્ષ નેતા બન્યા છે.
વિપક્ષ નેતા લોકસભામાં એક બંધારણીય પદ છે. સામાન્ય રીતે વિપક્ષના નેતાને વડાપ્રધાન પદના દાવેદાર પણ માનવામાં આવે છે, પરંતુ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી 14માંથી 13 નેતાઓ વિપક્ષ નેતા બન્યા પછી વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા નથી. વિપક્ષ નેતા બનેલા ત્રણ નેતાઓની રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ ગઈ હતી.
વિપક્ષના નેતાનું પદ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું?
કોંગ્રેસમાં બળવાને કારણે દેશમાં સૌપ્રથમ વખત 1969માં વિપક્ષને વિપક્ષ નેતાની ખુરશી મળી હતી. કોંગ્રેસના જુના નેતાઓએ 1969માં ઇન્દિરા ગાંધી વિરુદ્ધ મોરચો માડ્યો હતો, તેનું નેતૃત્વ કે. કામરાજ કરી રહ્યા હતા. આ જૂથનું નામ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન) રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટીના બે ભાગ થઈ ગયા ત્યારે સરકારે કોંગ્રેસ (ઓર્ગનાઇઝેશન)ને વિપક્ષ પદની માન્યતા આપવી પડી હતી. ત્યારે સાંસદ રામ સુભાગ સિંહ પ્રથમ વિપક્ષ નેતા બન્યા હતા. ત્યારથી અત્યાર સુધી 14 વિપક્ષ નેતા બન્યા છે, તેમાં લાલ કૃષ્ણ અડવાણી 3 વખત, અટલબિહારી વાજપેયી અને યશવંતરાય ચવ્હાણ 2-2 વખત વિપક્ષ નેતા બન્યા હતા.
અટલ બિહારી વાજપેયીને બાદ કરતાં કોઈપણ વિપક્ષ નેતા વડાપ્રધાનની ખુરશી સુધી પહોંચી શક્યા નથી. વર્ષ 1996માં વિપક્ષનેતા રહેલા અટલબિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા હતા. જોકે ઘણા વિપક્ષના નેતા વડાપ્રધાન પદના દાવેદાર જરૂર હતા.
1979માં જગ જીવન રામ, 2004માં સોનિયા ગાંધી, 2009માં લાલ કૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદનાં મોટા દાવેદાર હતા. આ સિવાય શરદ પવાર, સુષ્મા સ્વરાજ અને યશવંત રાવ ચૌહાણનું નામ પણ વડાપ્રધાન પદ માટે ચાલ્યુ હતું. 1996માં પીવી નરસિમ્હા રાવ વડાપ્રધાન પદ પરથી ઉતર્યા બાદ તેઓ વિપક્ષ નેતા બન્યા હતા પરંતુ તેઓ ફક્ત 15 દિવસ જ આ પદ પર રહી શક્યા હતા.
વિપક્ષ નેતા બન્યા બાદ આ 3 નેતાઓની કારકિર્દી ખતમ
લોકસભામાં ત્રણ વિપક્ષના નેતા એવા છે જેમની રાજનીતિક કારકિર્દી ખતમ થઈ ગઈ હતી. તેમાં સૌથી પહેલું નામ રામ સભાગ સિંહનું છે. તેઓ 1969થી 71 સુધી લોકસભાના વિપક્ષ નેતા રહ્યા હતા. ત્યારબાદ 1971માં તેઓ સંસદની ચૂંટણી હારી ગયા હતા. 1971ની ચૂંટણીમાં કોંગ્રેસના અનંત શર્માએ રામ સુભાગને 30,000 મતથી હરાવ્યા હતા.
જગજીવન રામ પણ વિપક્ષ નેતા બન્યા બાદ કોઇ મોટા પદ પર પહોંચી શક્યા નહોતા. પીવી રાવ વડાપ્રધાન બન્યા બાદ નેતા વિપક્ષ નેતા નિયુક્ત થયા હતા. તેઓ વિપક્ષની ખુરશી પરથી ઉતર્યા બાદ રાજનીતિમાં સાઈડ લાઈન થતા ગયા હતા. 2004માં તેમણે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી દીધી હતી પરંતુ બાદમાં તેઓએ વિચાર બદલી નાંખ્યો હતો.
રાજીવ ગાંધી પણ 1989થી 91 સુધી વિપક્ષ નેતા રહ્યા હતા. રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન હત્યા કરાઈ હતી.
લોકસભામાં વિપક્ષના નેતાના પદનો ઉલ્લેખ સંસદીય કાયદામાં
લોકસભામાં વિપક્ષના નેતાના પદનો ઉલ્લેખ સંસદીય કાયદામાં છે. 1977માં પ્રથમ વખત જ્યારે જનતા પાર્ટીની સરકાર બની ત્યારે આ પદને પરિભાષિત કરવામાં આવ્યું હતું. ત્યાંરથી આ પદ બેઠેલા વ્યક્તિને ઘણી બધી શક્તિઓ આપવામાં આવી છે. લોકસભામાં વિપક્ષના નેતા જ જાહેર હિસાબ સમિતિના પ્રમુખ હોય છે. આ ઉપરાંત ઘણા બધા પદ પર થનાર નિયુક્તિઓમાં પણ વિપક્ષ નેતા મહત્વની ભૂમિકા ભજવે છે. વિપક્ષ નેતા સદનમાં વિપક્ષનો મુખ્ય અવાજ પણ માનવામાં આવે છે.