આજે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 68 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં વરસાદી માહોલ જામી ચૂ્ક્યો છે. આજે વહેલી સવારથી મેઘરાજા ધોધમાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 2 કલાકમાં કુલ 11 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ પાદરા અને સિહોરમાં સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
વડોદરા શહેરમાં વરસાદનું આગમન થયુ છે. વડોદરાના પાદરામાં આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પૂરના પાણી વહેતા હોય તેવા દૃશ્યો સર્જાયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
આજે સવારે 6થી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 68 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પસરી છે. તેમજ ખેતી લાયક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે. જેમાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ છે. દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે.
એક જ વરસાદમાં પડેલ હાલાકીના લીધે પાદરા નગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉઠવા પામ્યા છે. પાદરા નગર પાલિકાના તંત્રની પ્રિમોન્સુન કામગીરી કોણ જાણે કેવી કરવામાં આવી કે પહેલા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારો સહીત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા.