24થી 26 જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, અમરેલી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જ્યારે મધ્ય ગુજરાતમાં 3 દિવસ સારો વરસાદ રહેશે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈ કાલે ભારે ઉકળાટ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે

હવામાન વિભાગની આગાહી વચ્ચે હાલ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. જેમાં ખાસ કરીને બોટાદ, ગીરસોમનાથ, રાજકોટ, કચ્છ, અમરેલી, ઉના, જૂનાગઢ સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યાં છે. કચ્છના માંડવીના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. બોટાદમાં પણ સારો વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે જ્યારે ખેડામાં સવારથી સામાન્ય વરસાદ જોવા મળ્યો છે.

વડોદરા, ભરૂચ અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે વહેલી સવારથી અમદાવાદ , વડોદરા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો છે જ્યારે વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાતથી જ વડોદરામાં વરસાદ વરસી રહ્યો છે.

સવારે છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ, પોરબંદર અને બોટાદમાં વરસ્યો હતો. બપોર બાદ રાજકોટ, જૂનાગઢ, અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા.

આ સાથે રાજકોટના જસદણ સહિતના વિસ્તારમાં મેઘ મહેર થઈ. જૂનાગઢના મજેવડી સહિતના ગામમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બીજી તરફ સંઘ પ્રદેશ દમણના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મોટી ભરતીના કારણે દરિયો તોફાની બન્યો છે. દમણનો અદભુત નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા. અસહ્ય બફારા વચ્ચે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે.