લગભગ એક વર્ષ પહેલા કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો
કેરલ વિધાનસભાએ લગભગ એક વર્ષ પહેલાં કેરલ રાજ્યનું નામ બદલીને “કેરલમ” કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ કરી દીધો હતો. રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે રાજ્યની વિધાનસભાએ બંધારણીય સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરતો ઠરાવ પસાર કર્યાના લગભગ એક વર્ષ બાદ સોમવારે (24 જૂન) ના રોજ સામાન્ય સુધારા સાથે આ પ્રસ્તાવને ફરીથી મંજૂર કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે જૂના પ્રસ્તાવને પરત લેતાં તેમાં કેટલાક સુધારા કરવાની વાત કહી હતી, ત્યારબાદ સદનમાં નવા પ્રસ્તાવને પસાર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી પિનરાઇ વિજયન તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં માંગ કરવામાં આવી હતી કે સંવિધાન(બંધારણ)ની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ સત્તાવાર રૂપથી બદલીને ‘કેરલમ’ કરવા માટે બંધારણની કલમ 3 અંતગર્ત જરૂરી પગલાં ભરવા જોઇએ. આઇયૂએમએલ ધારાસભ્ય એન શમસુદ્દીને પ્રસ્તાવમાં ફેરફાર કરતાં વધુ સ્પષ્ટતા લાવવા માટે શબ્દોને ફરીથી ગોઠવવાનું સૂચન કર્યું હતું. ગૃહે આ સુધારાને ફગાવી દીધો હતો.
રાજ્યનું નામ સત્તાવાર રૂપથી બદલવાની માંગ કરનાર પ્રસ્તાવ ગત વર્ષે 9 ઓગસ્ટનાં રોજ સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કેન્દ્રને સંવિધાનની પ્રથમ સૂચિમાં રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવમાં માંગ કરાઇ હતી કે કેન્દ્ર સરકાર આઠમી સૂચિ હેઠળની તમામ ભાષાઓમાં નામ બદલીને ‘કેરલમ’ કરી દે. જો કે વિસ્તૃત તપાસ બાદ ખબર પડી હતી કે આ પ્રકારના ફેરફાર માટે સંવિધાનની પ્રથમ યાદીમાં જોગવાઇ હોવી જોઇએ. તેથી જ નવો ઠરાવ લાવવામાં આવી રહ્યો છે, એમ મુખ્ય પ્રધાને જણાવ્યુ હતું.
સીએમ પિનારાઇ વિજયને જણાવ્યું હતું કે મલયાલમમાં ‘કેરલમ’ નામનો ઉપયોગ સામાન્ય છે. જોકે સત્તાવાર રેકોર્ડમાં રાજ્યને ‘કેરલ’ કહેવામાં આવી રહ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં જ આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે મલયાલમ ભાષી સમુદાયો માટે એકિકૃત કેરલ બનાવવાની જરૂર રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ સ્પષ્ટપણે દેખાતી હતી.
ગયા વર્ષે મુખ્યપ્રધાને પ્રસ્તાવને રજૂ કરતા કહ્યું હતું કે નિયમ 118 હેઠળ એક પ્રસ્તાવને આ ગૃહમાં રજૂ કરી રહ્યો છું. જેમાં કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ આપણા રાજ્યનું સત્તાવાર નામ ભારતના બંધારણની આઠમી અનુસૂચીમાં સામેલ તમામ ભાષાઓમાં ‘કેરલમ’માં બદલી દે. પરંતુ બંધારણની પ્રથમ અનુસૂચીમાં આપણા રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું છે. આ વિધાનસભા સર્વસંમતિથી કેન્દ્ર સરકારને વિનંતી કરે છે કે તે બંધારણની કલમ 3 હેઠળ તેને કેરલમના રૂપમાં સંશોધન કરવા માટે તત્કાળ પગલા ઉઠાવે અને બંધારણની આઠમી અનુસૂચીમાં ઉલ્લેખ કરાયેલ તમામ ભાષાઓમાં તેનુ નામ બદલીને ‘કેરલમ’ કરી દેવામાં આવે.