મ્યુનિ. કોર્પોના ઇતિહાસમાં સૌથી મોટુ કૌભાંડ
આર.સી.સી. બોક્ષ ની જ્ગ્યાએ આર.સી.સી. વોલ બનાવવાને કારણે અંદાજે રૂ.૨૪૦ કરોડનો ફર્ક પડી રહ્યો છે
ટેન્ડરની શરતો મુજબનું કામ કરેલ નહી હોવા છતાં આર.કે.સી.ઇન્ફ્રા.ને રૂ.૯૯ કરોડ ચુકવી દેવામાં આવ્યા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના નગરજનો માટે ખારીકટ કેનાલ માથાના દુખાવા સમાન હતી દર વર્ષે ચોમાસા દરમ્યાન ખારીકટ કેનાલ ઉભરાવવાની ગંદકી થવાની તેમજ રોગચાળો ફાટી નીકળવાની તેમજ કેનાલની બનેં બાજુએ આવેલ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઇ જવાની ધટના વારંવાર બનતી હોવાને કારણે ત્યાંના નગરજનો ખારીકટ કેનાલથી ત્રાહીમામ પોકારી ગયાં હતાં જેથી સત્તાધારી ભાજપ દ્વારા ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કરવા બાબતે સમયાંતરે વારંવાર વાયદાઓ કરવામાં આવતાં હતાં પરંતુ તે કામ કરવા બાબતે કોઇ પણ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવતું ન હતું જેથી ગત વિધાનસભાની ચૂંટણી પહેલાં નવે.૨૦૨૨માં ખારીકટ કેનાલને ડેવલપ કરવા રૂા.૧૨૫૦ કરોડના ટેન્ડરો મંજુર કરવાના કામો તાકીદમાં લાવીને ઉતાવળે મંજુર કરી દેવામાં આવેલ હતાં.
ખારીકટ કેનાલને ડેવલપ કરવા માટે ના કામોના ટેન્ડરની શરતો મુજબ દરેક પેકેજમાં પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ ૨.૬૦ મી – ૨.૬૦ મી.ની સાઇઝના ૨ નંગ કેનાલના પાણી માટે તેમજ કાસ્ટ ઇન સીટુ સ્ટ્રોમ વોટર બોક્ષ ૬.૦૦ મી – ૩.૩૦ મી.ની સાઇઝના ના ૨ નંગ વરસાદી પાણી માટે નાખવાનું નક્કી કરવામાં આવેલ હતાં તે કામ કુલ પાંચ પેકેજમાં વહેંચીને તેના ટેન્ડરો મંજુર કરવામાં આવેલ હતાં.
હવે નવાઇજનક બાબત એ છે કે, પેકેજ ૧ અને ૪ ના કોન્ટ્રાકટર આર.કે.સી.ઇન્ફ્રા પ્રા.લી.દ્વારા પેકેજ ૧ માં તો બિલકુલ પ્રિકાસ્ટ આર.સી.સી. બોક્ષ નાખેલ નથી પેકેજ ૪ માં અમુક જ થોડા પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ નાખેલ છે અને માત્ર ડાયાફ્રામ આર.સી.સી. વોલ બનાવી અને તેની ઉપર આર.સી.સી. સ્લેબ ભરીને તેને ઢાંકવાનો હીન પ્રયાસ કરેલ છે.
પેકેજ ૨ અને ૩ ના કોન્ટ્રાકટર રેલ વિકાસ નિગમ લી. પાસે અગાઉથી થોડા પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ હતાં જે તેને નાખેલ હતાં ત્યારે તેના ધ્યાનમાં કોન્ટ્રાકટર આર.કે.સી.ઇન્ફ્રા પ્રા. લી. દ્વારા આર.સી.સી. ડાયાફ્રામ વોલ બનાવીને કામ થતું હોવાનું ધ્યાનમાં આવતાં તેને પણ પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ નાખવાનું બંધ કરી દીધેલ અને આર.સી.સી. ડાયાફ્રામ વોલ બનાવીને કામ કરી રહી છે અને પેકેજ ૫ ના કોન્ટ્રાકટર કલથીયા એન્જી એન્ડ કન્ટ્રકશન લી. દ્વારા અન્ય કોન્ટ્રાકટર દ્વારા આર.સી.સી. ડાયાફ્રામ વોલ બનાવીને કરેલ કામો બાબતે શું થાય છે ? શું ર્નિણય લેવાય છે ? તેની રાહમાં માત્ર રીટેઇનીગ વોલ બનાવીને કામ કરેલ છે.
એક જ કામમાં બે પ્રકારની ડીઝાઇન ના હોઇ શકે, તેમ જ ડીઝાઇન કન્સલટન્ટ મલ્ટી મીડીયા દ્વારા કોઇ ડીઝાઇન રીવાઇઝ કરેલ નથી તેમજ તે બાબતે કોઇ સક્ષમ સત્તાની મંજુરી પણ લેવામાં આવેલ નથી. તેમ છતાં તંત્ર દ્વારા જણાવવામાં આવે છે કે અમે બે પ્રકારની ડીઝાઇન બનાવેલ છે તેવી બેહુદી અને વાહીયાત વાતો કરી ગેરરીતી થઇ રહી છે.
કામના પી.એમ.સી.કન્ટલટન્ટ તરીકે એચ.સી.પી. કન્ટલટન્ટની નિમણુંક કરેલ છે તેમજ કામનાં ૧.૦૦ % ડીઝાઇન કન્સલટન્ટ મલ્ટી મીડીયાને અને પી.એમ.સી.કન્ટલટન્ટ એચ.સી.પી. કન્ટલટન્ટને કામના ૧.૨૫ % મુજબ અંદાજે ૨૮ કરોડ ચૂકવવાના છે અને તે કામની દેખરેખ માટે મ્યુ.કમિ દ્વારા ખારીકટ કેનાલ સેલ પણ ખોલવામાં આવેલ છે. છતાં પણ પી.એમ.સી કન્ટલટન્ટ તથા ડીઝાઇન કન્સલટન્ટ તેમજ અધિકારીઓએ કોઇ ધ્યાન આપેલ નથી.
આર.સી.સી. બોક્ષ ની જ્ગ્યાએ આર.સી.સી. વોલ બનાવવાને કારણે અંદાજે રૂા.૨૪૦ કરોડની માતબર રકમનો ફેર પડવા પામે છે. આશ્વર્યજનક બાબત તો એ છે કે. ટેન્ડરની શરતો મુજબનું કામ કરેલ નહી હોવા છતાં પેકજ -૧ તથા પેકેજ ૪ ના કોન્ટ્રાકટર આર.કે.સી.ઇન્ફ્રા.ને રૂા.૯૯ કરોડ તો ચુકવી પણ દેવામાં આવેલ છે.
થોડા સમય પહેલાં મુખ્યમંત્રીશ્રી દ્વારા ખારીકટ કેનાલના કામોની સમીક્ષા કરવા વિઝિટ રાખવામાં આવેલ તે સમયે તંત્રના અધિકારીઓ તથા ભાજપના સત્તાધીશો દ્વારા જ્યાં પ્રિકાસ્ટ આર.સી.સી બોક્ષ નાખેલ હતાં માત્ર તે સ્થળની વિઝટ કરાવી તંત્ર તથા ભાજપના સત્તાધીશો દ્વારા મુખ્યમંત્રીશ્રીને પણ ગેરમાર્ગે દોરેલ હતાં. આમ સમગ્ર કામની સમીક્ષા કરતાં તંત્રના અધિકારીઓ તથા સત્તાધારી ભાજપ દ્વારા ખારીકટ કેનાલના ડેવલપ કરવાના કામમાં અંદાજે રૂ. ૨૪૦ કરોડની માતબર રકમનો ભષ્ટ્રાચાર કરવામાં આવેલ છે તેની પુરતી ન્યાયિક તપાસ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.