સિક્કિમમાં સૈન્યના એન્જિનિયરોએ 48 કલાકમાં 150 ફૂટ ઊંચો સસ્પેન્શન બ્રિજ બનાવી દીધો

sikkim-suspension-bridge

દેશના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં ભયંકર પૂર, ભૂસ્ખલન, પૂર જેવી આફત આવી છે. સિક્કિમમાં ભારે વરસાદ બાદ નદીઓમાં પૂર આવ્યુ હતું જેના કારણે રસ્તાઓ તુટી ગયા હતા. અનેક સ્થળો પર ભૂસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા હતા. ભારે વરસાદના કારણે નદી ઉપરના પુલ તુટી ગયા છે જેના લીધે અંતરિયાળ અને સરહદી વિસ્તારોના ગામડાઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં આપણા દેશની સેનાના જવાનો આવા અલગ-અલગ ગામોને ફરી જોડવામાં વ્યસ્ત છે.

https://x.com/ANI/status/1804919079993823657

150 ફૂટ ઊંચો સસ્પેન્શન બ્રિજ માત્ર 48 કલાકમાં બનાવ્યો
ભારતીય સેનાના જવાનોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભારતીય સેના ત્રિશક્તિ કોર્પ્સના સૈનિકો એટલે કે એન્જિનિયરો વહેતી નદી પર ઝૂલતો પુલ બનાવી રહ્યા છે. નીચે 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી મોત દોડી રહ્યું હતું.ભારતીય સેનાની ત્રિશક્તિ કોરના એન્જિનિયરોએ ઉત્તર સિક્કિમમાં 150 ફૂટનો સસ્પેન્શન પુલ બનાવ્યો છે. સૈન્યના એન્જિનિયરોએ પડકારજનક પરિસ્થિતિમાં કામ કરતા 48 કલાકથી પણ ઓછા સમયમાં સખત મહેનત બાદ વહેતી નદી પર 150 ફૂટનો સસ્પેન્શન પુલ બનાવ્યો છે. અચાનક પૂરને કારણે સંપર્ક વિહોણા સરહદી ગામનાં લોકોને બ્રિજ પરથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે બે સૈનિકો પોતાનો જીવ જોખમમાં મૂકીને નદી ઉપર ઝૂલતો પુલ બનાવી રહ્યા છે. નીચે નદીનો પ્રવાહ લગભગ 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વહી રહ્યો છે. આ પુલ બન્યા બાદ હવે આ પુલની મદદથી સરહદી ગામોને ફરી જોડી શકાશે. હવે લોકો સરળતાથી એક છેડેથી બીજા છેડા સુધી નદી પાર કરી શકશે. આ પહેલા પણ સૈન્યના જવાનોએ પૂરમાં ફસાયેલા સેંકડો પ્રવાસીઓને બચાવવા માટે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લેશિયર્સ અને તળાવો ફાટવાને કારણે અચાનક આવેલા પૂરને કારણે ઘણા લોકોના મોત થયા છે. સેંકડો લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. સિક્કિમ અને ઉત્તરાખંડમાં કોમ્યુનિકેશન લાઈનો અને રોડ નેટવર્ક ખોરવાઈ ગયા છે. આ દરમિયાન પૂર નિષ્ણાતોએ બ્રહ્મપુત્રા નદીના પાણીને વાળવા માટે પૂર્વોત્તરમાં ઓછામાં ઓછા 50 મોટા તળાવ બનાવવાનું સૂચન આપ્યુ છે.

તાજેતરમાં સિક્કિમમાં ભયંકર ભૂસ્ખલન થયું હતું. જેના કારણે છ લોકોના મોત થયા હતા. 1500 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. આ ઘટના મંગન જિલ્લાની છે. અહીં બનેલો નવો પુલ પણ ભૂસ્ખલનના કારણે તૂટી ગયો હતો. મંગલ જિલ્લા સાથેનું જોડાણ પોતે જ સમાપ્ત થઈ ગયું હતું. ગયા વર્ષે પણ 3 ઓક્ટોબરની રાત્રે તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું હતું.