આચાર્ય લક્ષ્મીકાંતની ગણના કાશીમાં યજુર્વેદના મહાન વિદ્વાનોમાં થતી હતી
અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે નિધન થયું છે. 86 વર્ષીય આચાર્ય છેલ્લાં કેટલાક દિવસથી બીમાર હતા. મણિકર્ણિકા ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના નિધનના સમાચાર બાદ સનાતન પરંપરાનું પાલન કરતા લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
https://x.com/PTI_News/status/1804417729413152922
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત થયા હતા. તેમનાં પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા. લક્ષ્મીકાંત દીક્ષિત પૂજા પદ્ધતિમાં સિદ્ધહસ્ત અને વારણસીના મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહ્યા હતા. પીએમ મોદી તેમજ યૂપીના સીએમ યોગી આદિત્યનાથે આચાર્ય લક્ષ્મીકાંતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
આચાર્ય દીક્ષિત કાશીના વરિષ્ઠ વિદ્વાનોમાં સ્થાન ધરાવતા હતા. આચાર્ય દીક્ષિત દ્વારા કાશીના 121 બ્રાહ્મણોએ અયોધ્યાના ભવ્ય મંદિરમાં શ્રીરામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તેમાં કાશીના 40થી વધારે વિદ્વાન હતા. PM મોદી પ્રાણપ્રતિષ્ઠા પહેલાં આચાર્ય પાસેથી રક્ષાસૂત્ર બંધાવીને પગે લાગ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા પછી મુખ્ય પૂજારી અને આચાર્ય પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે પીએમ નરેન્દ્ર મોદીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. પીએમ મોદીએ લક્ષ્મીકાંત દીક્ષિતને પગે લાગીને આશીર્વાદ લીધા હતા.
લક્ષ્મીકાંત દીક્ષિત મૂળ મહારાષ્ટ્રના શોલાપુર જિલ્લાના રહેવાસી હતા, જોકે કેટલીક પેઢીઓથી તેમનો પરિવાર કાશીમાં રહે છે. તેઓ સાંગવેદ યુનિવર્સિટીના વરિષ્ઠ આચાર્ય હતા. શુક્લ યજુર્વેદના ટોચના વિદ્વાન વેદમૂર્તિ લક્ષ્મીકાંત મથુરાનાથ દીક્ષિતનો જન્મ 1942માં મુરાદાબાદ (યુપી)માં થયો હતો. તેમની માતાનું નામ રુક્મિણી અને પિતાનું નામ વેદમૂર્તિ મથુરાનાથ દીક્ષિત હતું. તેમને વેદ સમ્રાટ, વૈદિક ભૂષણ, વૈદિક રત્ન, દેવી અહિલ્યા બાઈ રાષ્ટ્રીય પુરસ્કાર જેવા અને પુરસ્કાર મળી ચૂક્યા છે. તેઓ નેપાળ સિવાય ભારતના અનેક શહેરોમાં વૈદિક અનુષ્ઠાનોમાં આચાર્ય તરીકે સામેલ થયા હતા.
લક્ષ્મીકાંત દીક્ષિતના નિધન પર વડાપ્રધાન મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા, રાજસ્થાનનાં ડેપ્યુટી સીએમ દીયા કુમારી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત અને નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતના અવસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું કે કાશીના પ્રકાંડ વિદ્વાન અને શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય પુરોહિત, વેદમૂર્તિ, આચાર્ય શ્રી લક્ષ્મીકાંત દીક્ષિતજીની વિદાય અધ્યાત્મ અને સાહિત્ય જગત માટે પૂરી ન શકાય એટલી મોટી ક્ષતિ છે. યોગીએ કહ્યું કે સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિની સેવા માટે તેઓ હંમેશા યાદ રહેશે.
પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે દિવગંત પુણ્યાત્માને તેઓ પોતાનાં શ્રીચરણોમાં સ્થાન આપે તથા તેમના શિષ્યો અને અનુયાયિઓને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ॐ શાંતિ.
https://x.com/myogiadityanath/status/1804393196568403983
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એક્સ પોસ્ટ પર લખ્યું, કાશીના પ્રચંડ વિદ્વાન તથા શ્રીરામ જન્મભૂમિ પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય પૂજારી, વેદમૂર્તિ, આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું ગોલોક ગમન અધ્યાત્મ અને સાહિત્ય જગતની મોટી ખોટ છે. સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિની સેવા હેતુ તેઓ સદૈવ સ્મરણીય રહેશે. અયોધ્યાપતિ પ્રભુ શ્રીરામને પ્રાર્થના છે કે દિવ્યાત્માને પોતાના પરમધામમાં સ્થાન અને તેમના શિષ્યો અને અનુયાયીઓને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહેલાં લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના વિદ્વાનોમાં ગણવામાં આવતા હતા. કાશીમાં યજુર્વેદના જ્ઞાતાઓમાં નિષ્ણાત હતા. લક્ષ્મીકાંત દીક્ષિતે વેદ અને અનુષ્ઠાનોની દીક્ષા પોતાના કાકા ગણેશ દીક્ષિત ભટ્ટ પાસેથી લીધી હતી. લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના મીરઘાટ સ્થિત સંગવેદ કોલેજના વરિષ્ઠ શિક્ષક હતા. આ યુનિવર્સિટીની સ્થાપના કાશીના રાજાના સહયોગથી કરવામાં આવી હતી. આચાર્ય લક્ષ્મીકાંતની ગણના કાશીમાં યજુર્વેદના મહાન વિદ્વાનોમાં થતી હતી.