વાલીઓ માટે ચેતવણી રુપ કિસ્સોઃ ચાલુ સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાઇ, VIDEO વાયરલ

Student-Fell-Down-From-School-Van2

સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત: ચાલુ સ્કૂલ વાનનો દરવાજો અચાનક ખુલતા 2 છોકરીઓ રોડ પર પટકાઈ

પોતાના સ્વાર્થ માટે હડતાળ પાડનારા સ્કુલ વર્ધીના વાહન ચાલકો પાસે એક બાજુ વાહનોની ફિટનેસ નથી અને બીજી બાજુ RTOના નિર્ણય સામે હડતાળ પણ કરવી છે.

સમગ્ર દેશમાં વેકેશન બાદ ફરી શાળાઓ શરૂ થઈ ગઈ છે. બાળકોને કોઈ જાતની તકલીફ ના પડે તે માટે માતા-પિતા તેમનાં બાળકોને સ્કૂલ રીક્ષા અથવા તો સ્કૂલ વાનમાં શાળાએ મોકલી રહ્યા છે. તેવામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જે મુજબ ચાલુ સ્કૂલ વાનમાંથી બે બાળકીઓ રોડ પર પટકાઈ હતી. ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ થયો છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિ ગમે તે શહેરમાં સ્કુલ વાનમાં શાળાઓ મોકલતા વાલીના બાળક સાથે પણ બની શકે છે.

https://x.com/MyVadodara/status/1804079853693472779

સ્કુલ વર્ધીના ઉપયોગમાં લેવાતા વાહનોમાં બાળકોની સુરક્ષા માટે જ્યારે તંત્ર પગલાં લેવાની વાત કરે છે ત્યારે સ્કુલવર્ધીના વાહન ચાલકો વાલી અને વિદ્યાર્થીઓને રીતસરના બાનમાં લેતા હોય તેમ હડતાળનું શસ્ત્ર ઉગામે છે. પરંતુ જેના થકી તેમની કમાણી થાય છે તેવા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ક્યારેક દરકાર ના લેતા હોય તેવુ લાગે છે. પોતાના સ્વાર્થ માટે હડતાળ પાડનારા સ્કુલ વર્ધીના વાહન ચાલકો પાસે એક બાજુ વાહનોની ફિટનેસ નથી અને બીજી બાજુ RTOના નિર્ણય સામે હડતાળ પણ કરવી છે.

ગુજરાતના વડોદરામાં સ્કૂલવાનમાં વિદ્યાર્થીઓની સલામતીના દાવાની પોલ ખોલતી ઘટના સામે આવી છે. વડોદરામાં સ્કૂલ વાન ચાલકની મોટી બેદરકારીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનનો પાછળનો દરવાજો અચાનક ખુલી જાય છે અને વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ રોડ પર પટકાય છે. ચાલુ વાનમાંથી નીચે રોડ પર પડતા વિદ્યાર્થિનીઓને ઈજા પણ પહોંચી હતી.

જોકે, આ ઘટનાના સમયે સોસાયટીમાં રહેતા રહીશ તુરંત બાળકીઓની મદદે આવે છે, અને તેમને સાંત્વના સાથે મદદ કરી છે. ઈકો ચાલક ત્યાંથી આગળ નીકળી જાય છે. સદનશિબે બંને બાળાઓ રોડ પર પટકાયા બાદ ઉભી થઈ શકે છે, પરંતુ તેમાંથી એક બાળકીને પગે વધારે ઈજા પહોંચી હોવાનું જોવા મળી રહ્યું છે, તે ચાલી શકવાની પરિસ્થિતિમાં નથી રહેતી, તેને રહેવાસી ઉપાડી મદદ માટે પોતાના ઘરે લઈ જાય છે.

જો કે ઘટના કયા વિસ્તારની છે ને કઇ સ્કૂલના બાળકો છે તે જાણવા મળ્યું નથી જો કે મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના બાદ સરકારે આ ઘટનાના તપાસના આદેશ પણ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના સલામતીને લઇને ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેના વિરોધના સ્કૂલવાન ચાલકોએ હડતાળ પાડી હતી. જો કે ત્યાર બાદ હડતાળ પરત ખેંચી હતી.

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે વિવિધ વિભાગો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આરટીઓ વિભાગને પણ જરૂરી સૂચનાઓ આપી છે અને સ્કૂલ વાનમાં ભરચક ભરવામાં આવતા બાળકો સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.

આરટીઓ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા, અમદાવાદમાં તો રીતસર સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા, અને વડોદરામાં પણ આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ફરી જેસે થે પરિસ્થિતિ જોવા મળી રહી છે.