ચોમાસાની સિઝન પહેલા બુદ્ધા રાઈસ, GR- 21 અને GR- 13 જાતની ડાંગરનું પ્રાકૃતિક ખેતીથી વાવેતર શરૂ

Planting started with natural farming before the monsoon season

પીપળાતાના પ્રાકૃતિક ખેડૂતે દેશી ગાય આધારિત ખેતીથી કર્યું ત્રણ પ્રકારની ડાંગરનું વાવેતર

ખેડા જિલ્લામાં આજે પ્રાકૃતિક કૃષિથી તમામ પ્રકારના ધાન્યો, ફળ-ફળાદી અને શાખભાજીનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખેતીની મર્યાદાઓને જાણી આજે ખેડૂતો સામેથી જ મક્કમતાથી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે 71 વર્ષીય પ્રાકૃતિક ખેડૂત શ્રી અરૂણકુમાર શાહે ઉમરને અવરોધ ન ગણતા છેલ્લા 5 વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરીને જિલ્લાનાં યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ વર્ષે શ્રી અરુણકુમારે તેમના પીપળાતા ખાતે આવેલ 20 વિઘાના ખેતરમાં ડાંગરનું ધરુવાડિયુ તૈયાર કર્યુ છે. જેમાં, તેમણે બુદ્ધા રાઈસ (કાલા નમક), જીઆર-21 અને જીઆર-13 જાતની ડાંગરનું પ્રાકૃતિક ખેતીથી વાવેતર કર્યુ છે. આ ધરુવાડિયામાં ફક્ત દેશી ગાય આધારિત જીવામૃત અને ધનામૃતના ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુમાં, બુદ્ધા રાઈસની ખાસિયત છે કે તેમાં પોષક તત્વો વધુ હોય છે. નોંધનીય છે કે શ્રી અરૂણભાઈ શાહ ખેતીમાં ઘઉં, વિવિધ પ્રકારની ડાંગર (ચોખા), રાઈ, રાજગરો, બાજરી, ચણા જેવી ખેત પેદાશોનું વાવેતર કરે છે. જેનું મૂલ્યવર્ધન કરીને ડાઇરેક્ટ વેચાણ કરે છે, તથા વિવિધ ફળો તથા બાયો-ડાયવર્સિટી માટે ફૂડ ફોરેસ્ટ્રી જંગલ મોડેલ વિકસાવી રહ્યા છે. આ સાથે જ અરૂણભાઈ એક ફાર્મરફ્રેન્ડ તરીકે અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપે છે. તેઓએ અત્યાર સુધીમાં કુલ 3000 થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે.